પાટણ પાલિકાના ઉપપ્રમુખે સુરત મનપાની મુલાકાત લઈ પ્રોજેક્ટ્સ નિહાળ્યા:આઈકોનિક રોડ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાટણમાં લાગુ કરવા અહેવાલ રજુ કરાશે

Gujarat6/9/2026, 2:42:54 PM
પાટણ પાલિકાના ઉપપ્રમુખે સુરત મનપાની મુલાકાત લઈ પ્રોજેક્ટ્સ નિહાળ્યા:આઈકોનિક રોડ, ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાટણમાં લાગુ કરવા અહેવાલ રજુ કરાશે
પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે તાજેતરમાં સુરત મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ સુરતમાં અમલમાં મુકાયેલા આઈકોનિક રોડ અને ટર્સરી ટ્રીટમેન્ટ વોટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સની વિસ્તૃત માહિતી મેળવવાનો હતો. પાટણમાં ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ્સના અમલ માટે પાટણ નગરપાલિકા સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે. ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે સુરત મહાનગરપાલિકા દ્વારા વિકસાવવામાં આવેલ આઈકોનિક રોડ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રોજેક્ટમાં રોડ બ્યુટીફિકેશન, આકર્ષક લાઇટિંગ, બ્લોક વર્ક અને વૃક્ષારોપણ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, પાટણના ગ્રામ્ય વિસ્તારોમાં આવા રોડ બનાવવા પડકારજનક હોઈ શકે છે, પરંતુ સુરત મોડેલમાંથી ઘણી બાબતો પાટણમાં અપનાવી શકાય તે માટે અહેવાલ તૈયાર કરાશે. મુલાકાત દરમિયાન ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ નિહાળવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે છે. ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ સુરતમાં કાર્યરત છે. પાટણ નગરપાલિકા માટે હાલ 100 ટકા ક્ષમતાવાળો મોટો પ્લાન્ટ સ્થાપવો શક્ય ન હોવા છતાં, નાના પાયા પર આવા પ્લાન્ટ સ્થાપી શકાય છે. આ નાના પ્લાન્ટ્સ દ્વારા શુદ્ધ કરાયેલા પાણીનો ઉપયોગ બાગ-બગીચા અને મોટા ગાર્ડનમાં છોડ-વૃક્ષોના સિંચાઈ માટે થઈ શકે છે. ઉપપ્રમુખે ભવિષ્યમાં આ પ્રોજેક્ટને સંપૂર્ણ ક્ષમતા સાથે અમલમાં મૂકવાનો આશય વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, પાટણ નગરપાલિકાની આવક વધારવા માટે સોલાર પ્રોજેક્ટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. નગરપાલિકાની ઇમારતો, મિલકતો, પ્લોટ તેમજ ખાનસરોવર અને આનંદસરોવરની આસપાસ સોલાર પેનલ્સ લગાવીને આવક ઊભી કરવાની યોજના છે. આ તમામ પ્રોજેક્ટ્સ પાટણ નગરપાલિકાને ભવિષ્યમાં મહાનગરપાલિકા બનાવવાની દીર્ઘદ્રષ્ટિ સાથે હાથ ધરવામાં આવી રહ્યા છે.
Read Original Article →