રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પાટણ સંસ્થાની મુલાકાત લીધી:લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજીને પશુપાલકો માટે આશીર્વાદરૂપ ગણાવી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ આજે પાટણ ખાતે આવેલી સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. તેમણે સંસ્થાની કામગીરીનું અવલોકન કર્યું અને પશુ સંવર્ધન ક્ષેત્રે થતી વૈજ્ઞાનિક તથા આધુનિક કામગીરીની પ્રશંસા કરી. રાજ્યપાલએ કર્મચારીઓના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. રાજ્યપાલએ ખાસ કરીને સીમેન પ્રોડક્શન અને લિંગ નિર્ધારિત (Sexed Semen) ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી પશુપાલકોને થતા લાભ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ આધુનિક ટેકનોલોજી પશુપાલન ક્ષેત્રે ગુણવત્તાસભર ઓલાદ વિકાસ અને દૂધ ઉત્પાદન વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. રાજ્ય સરકારે પશુપાલન વિભાગ દ્વારા કરાતી કામગીરીને બિરદાવી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા આહ્વાન કર્યું. ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા વર્ષ 2010 થી કાર્યરત છે. તે સમગ્ર રાજ્યમાં થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન અને વિતરણ કરતી એકમાત્ર અદ્યતન સંસ્થા છે. ભારત સરકાર દ્વારા સંસ્થાને સતત "A" ગ્રેડ એનાયત કરવામાં આવ્યો છે. અહીં બાયોસિક્યોરિટી માપદંડોનું કડક પાલન થાય છે અને ગીર, કાંકરેજ, મહેસાણી, જાફરાબાદી જેવી ઉત્તમ ઓલાદોના સાંઢ-પાડાનું નિભાવ કરવામાં આવે છે. તાજેતરમાં શરૂ કરાયેલી લિંગ નિર્ધારિત સીમેન ટેકનોલોજી દ્વારા 90 ટકાથી વધુ માદા બચ્ચાનો જન્મદર નોંધાઈ રહ્યો છે, જે પશુપાલકો માટે અત્યંત લાભદાયી છે. વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાએ 35 લાખથી વધુ પરંપરાગત અને 2 લાખથી વધુ લિંગ નિર્ધારિત સીમેન ડોઝનું ઉત્પાદન કર્યું છે. આનાથી રાજ્યમાં પશુઓની ઉત્પાદકતા વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન મળી રહ્યું છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલએ સીમેન સ્ટેશન, ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અને બુલ શેડની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર, કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. પી.એચ. ટાંક, પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ અને મદદનીશ પશુપાલન નિયામક ડૉ. પ્રદિપ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →