પાટણમાં એક જ સિટિંગમાં બંને કાનનું સફળ ઓપરેશન:ઉત્તર ગુજરાતમાં પ્રથમવાર આવી સફળતા, GMERS તબીબોએ ચીરા વગર સર્જરી કરી
પાટણની GMERS મેડિકલ કોલેજ ખાતે મેડિકલ સાયન્સ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. સેવલની ગામની 54 વર્ષીય મહિલાના બંને કાનના પડદાનું ઓપરેશન આધુનિક એન્ડોસ્કોપિક પદ્ધતિથી એક જ સિટિંગમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની આ પ્રથમ સર્જરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, પાટણ ખાતે આવેલી આ 54 વર્ષીય મહિલા દર્દી છેલ્લા પાંચ વર્ષથી કાનની સમસ્યાથી પીડાતી હતી. તેમને બંને કાનમાંથી રસી આવવી અને સાંભળવામાં ભારે તકલીફ પડતી હતી. ENT વિભાગમાં તપાસ દરમિયાન નિદાન થયું હતું કે દર્દીના બંને કાનના પડદામાં કાણું હતું. સામાન્ય રીતે આવા કિસ્સામાં અલગ-અલગ સિટિંગમાં ઓપરેશન કરવામાં આવતા હોય છે. જોકે, અહીંના તબીબોએ આધુનિક એન્ડોસ્કોપિક પદ્ધતિ અપનાવી એક જ સિટિંગમાં બંને કાનનું ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો. આ સર્જરી સંપૂર્ણપણે ચીરા કે ટાંકા વગર કરવામાં આવી હતી. પરંપરાગત માઇક્રોસ્કોપિક પદ્ધતિમાં કાનની પાછળ મોટો ચીરો મૂકવો પડે છે, પરંતુ એન્ડોસ્કોપિક પદ્ધતિમાં દૂરબીનનો ઉપયોગ થતો હોવાથી કોઈ પણ પ્રકારના બાહ્ય ચીરા વગર ઓપરેશન શક્ય બન્યું હતું. આ સાથે દર્દીને કાન અને નાકને જોડતી યૂસ્ટેશિયન ટ્યુબમાં રહેલી તકલીફનું પણ એન્ડોસ્કોપિક પદ્ધતિથી નિવારણ કરવામાં આવ્યું હતું. ઓપરેશન પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થવાને કારણે દર્દી પર જનરલ એનેસ્થેશિયાની અસર પણ લાંબો સમય રહી ન હતી અને રિકવરી ઝડપી બની હતી. આ જટિલ સર્જરી ENT વિભાગના હેડ અને ડીન ડૉ. હાર્દિક શાહ તથા તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સર્જરી દરમિયાન એનેસ્થેશિયા વિભાગે પણ સક્રિય ભૂમિકા ભજવીને ઓપરેશનને સુરક્ષિત બનાવ્યું હતું. આ ઓપરેશન સફળ થવાથી દર્દીની કાનમાંથી રસી આવવાની સમસ્યા કાયમી ધોરણે બંધ થશે અને સાંભળવાની ક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે.
Read Original Article →