પાટણમાં વૃદ્ધાની સોનાની બંગડીઓમાંથી સોનું ગાયબ:જયવીરનગર સોસાયટીમાં 2 તોલાની બંગડીઓમાંથી અડધા તોલા સોનાની ઠગાઈ, બે શખસ સામે ફરિયાદ
પાટણ શહેરના જયવીરનગર સોસાયટી વિસ્તારમાં સફાઈના પાઉચ વેચવાના બહાને આવેલા બે અજાણ્યા શખસોએ એક વૃદ્ધ મહિલાના સોનાના દાગીના સાફ કરી આપવાની લાલચ આપી છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શખસોએ દાગીના સાફ કરવાના નામે કેમિકલનો ઉપયોગ કરી બંગડીઓમાંથી અડધાથી એક તોલા જેટલું સોનું ઓગાળી લીધું હતું. આ મામલે પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના શું હતી ?
મૂળ ભાવનગર જિલ્લાના સિહોરના રહેવાસી પાર્વતીબેન ઠાકોર 25 માર્ચના રોજ પાટણ સ્થિત જયવીરનગર સોસાયટીમાં રહેતા તેમના બહેન સીતાબેનના ઘરે સામાજિક પ્રસંગમાં આવ્યા હતા. 3 એપ્રિલના રોજ સવારે આશરે 09:30 વાગ્યે જ્યારે તેઓ પરિવાર સાથે હાજર હતા, ત્યારે બે અજાણ્યા શખસો વાસણ સાફ કરવાના પાઉચ વેચવા માટે આવ્યા હતા. ઠગ ટોળકીએ વિશ્વાસ કેળવવા માટે સૌપ્રથમ એક સ્ટીલની ડિશ સાફ કરી બતાવી હતી. ત્યારબાદ, સોનાના દાગીના પણ નવા જેવા ચમકાવી આપવાની લાલચ આપી હતી. પાર્વતીબેન તેમની વાતોમાં આવી ગયા હતા અને પોતાના હાથમાં પહેરેલી આશરે 2 તોલા વજનની સોનાની બે બંગડીઓ સાફ કરવા આપી હતી. ઠગાઈની મોડસ ઓપરેન્ડી
આરોપીઓએ બંગડીઓને એક ટબમાં દસેક મિનિટ સુધી પલાળી રાખી હતી. ત્યારબાદ બ્રશથી સાફ કરી તેના પર હળદર જેવો પીળો લેપ લગાવી દીધો હતો. ઠગોએ એવી સૂચના આપી હતી કે આ લેપ સુકાઈ જાય પછી જ બંગડીઓ પહેરવી, અને આટલું કહી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. તપાસમાં ભાંડો ફૂટ્યો
થોડીવાર પછી જ્યારે મહિલાએ બંગડીઓ પરથી પાવડર હટાવ્યો, ત્યારે તેમને વજનમાં નોંધપાત્ર ઘટાડો જણાયો હતો. શંકા જતા પરિવારજનો સાથે જઈ સોની પાસે વજન કરાવતા બંગડીઓનું વજન માત્ર 15.3 ગ્રામ જણાયું હતું. આમ, સફાઈના નામે આરોપીઓએ આશરે 5 થી 10 ગ્રામ (અડધાથી એક તોલા) જેટલું સોનું કાઢી લીધું હોવાનું સામે આવ્યું હતું. પોલીસ કાર્યવાહી
આ ઘટના અંગે પાર્વતીબેને પાટણ શહેર A-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 318(2) અને 54 મુજબ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →