પાટણમાં 12 નર્સરીમાં 25.46 લાખથી વધુ રોપા ઉછેર્યા:વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ હેઠળ વૃક્ષારોપણ
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટર, ચોરમારપુરા ખાતે વૃક્ષારોપણ, રોપા વિતરણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા ‘એક પેડ માં કે નામ’ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાયો હતો. કાર્યક્રમ દરમિયાન આશરે 400થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 1000થી વધુ રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું. ઉપસ્થિત સૌએ હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે વૃક્ષારોપણ કરીને સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે વૃક્ષો માનવ જીવનના અવિભાજ્ય અંગ છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈને વરસાદનું સંતુલન જાળવવા, તાપમાન ઘટાડવા અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા સુધી વૃક્ષોનું યોગદાન અમૂલ્ય છે. તેમણે સૌને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ માટે વૃક્ષારોપણમાં સક્રિય ભાગ લેવા અને વાવેલા વૃક્ષોનું જતન કરવા અપીલ કરી હતી. પર્યાવરણ સંરક્ષણની સાથે આર્થિક લાભ પણ મળે તે માટે લીમડો, આંબા સહિતના ઉપયોગી વૃક્ષોના વાવેતરને પ્રોત્સાહન આપી, આવનારી પેઢી માટે હરિયાળો અને સમૃદ્ધ વારસો સર્જવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. દેશના અનેક વિસ્તારોમાં 45થી 50 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે, ત્યારે વૃક્ષારોપણ માત્ર ઔપચારિક કાર્યક્રમ નહીં, પરંતુ સમયની અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે આવનારી પેઢી માટે હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ જાળવી રાખવા દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષારોપણ સાથે તેનું નિયમિત જતન પણ એટલું જ મહત્વનું છે. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ વન અને પર્યાવરણલક્ષી યોજનાઓ અંગે માહિતી અપાઈ હતી. હેરિટેજ વૃક્ષ યોજના અંતર્ગત ઐતિહાસિક અને વિશિષ્ટ મહત્વ ધરાવતા વૃક્ષોના સંરક્ષણ માટેની પહેલની જાણકારી આપવામાં આવી હતી. આ યોજના અન્વયે 350 સેન્ટીમીટર કે તેથી વધુ ઘેરાવો ધરાવતા વૃક્ષોનું જતન કરતા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ રૂ.5000ની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રાજ્ય સરકારના i-Portal મારફતે ઓનલાઈન અરજી કરી શકાય છે.
Read Original Article →