પાટણમાં નિવૃત્ત એન્જિનિયર સાથે 32 લાખની સાયબર છેતરપિંડી:CBI અધિકારી બની ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા; પાટણ સાયબર પોલીસે ગુનો નોંધ્યો
પાટણમાં 73 વર્ષીય નિવૃત્ત સિવિલ એન્જિનિયર સાથે સાયબર ગઠિયાઓએ CBI અધિકારી તરીકે ઓળખ આપી રૂ. 32,00,047.20ની છેતરપિંડી કરી છે. આરોપીઓએ તેમને ડિજિટલ અરેસ્ટ કરી ગેરકાયદેસર સિમકાર્ડ અને મની લોન્ડરિંગના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ અંગે પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પાટણના જન્મભૂમિ બંગલોઝમાં રહેતા દિલીપકુમાર રતીલાલ પટેલ, જેઓ GSRTC મહેસાણા વિભાગમાંથી નિવૃત્ત સિવિલ એન્જિનિયર છે, તેમને 2 એપ્રિલ, 2026ના રોજ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાને ટેલિકોમ વિભાગના અધિકારી તરીકે ઓળખાવી જણાવ્યું કે તેમના આધાર કાર્ડ પરથી મુંબઈમાં એક સિમકાર્ડ ઇસ્યુ થયું છે, જેના દ્વારા અશ્લીલ મેસેજ મોકલવામાં આવે છે. ત્યારબાદ આરોપીઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને CBI અધિકારી એસ.કે. જયસ્વાલ તરીકે વાત કરી. તેણે દિલીપકુમારને જણાવ્યું કે 0ધરપકડ કરાયેલા નરેશ ગોહિલ નામના વ્યક્તિ સાથે તેમની(દિલીપકુમાર)ની સાંઠગાંઠ છે અને રૂ. 538 કરોડના મની લોન્ડરિંગ કેસમાં તેમનું કેનેરા બેંકનું ATM કાર્ડ મળી આવ્યું છે. આરોપીઓએ વોટ્સએપ પર નકલી એરેસ્ટ વોરંટ અને સુપ્રીમ કોર્ટના લેટર મોકલી દિલીપકુમારને ગભરાવી દીધા હતા. તેમને 'સિગ્નલ' એપ્લિકેશન ડાઉનલોડ કરાવી એક સપ્તાહ સુધી વિડિયો કોલ સામે બેસી રહેવા અને દર કલાકે 'I am safe' નો મેસેજ કરવા મજબૂર કરી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. કેસના નિકાલ અને નાણાંના વેરિફિકેશનના બહાને આરોપીઓએ તેમની ફિક્સ ડિપોઝિટ તોડાવી રૂ. 5,20,000 SBIના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ, આરોપીઓએ સોનાના દાગીનાનું એસેસમેન્ટ કરવાનું કહી દિલીપકુમારના 198.570 ગ્રામ સોનાના દાગીના જ્વેલર્સમાં વેચાવ્યા હતા. દાગીના વેચતા મળેલી રૂ. 27,15,445ની રકમમાંથી બેંક ચાર્જ સાથે કુલ રૂ. 26,80,047.20 ICICI બેંકના 'મધર ટ્રેસા સમાજ કલ્યાણ ટ્રસ્ટ'ના નામે ચાલતા ખાતામાં RTGS મારફતે ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ, કુલ રૂ. 32,00,047.20 પડાવી લીધા બાદ આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો. છેતરાયાનો અહેસાસ થતાં ફરિયાદીએ ટોલ ફ્રી નંબર 1930 પર જાણ કરી હતી. પાટણ સાયબર પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →