GUDCની બેદરકારીથી ભૂગર્ભ ગટર લાઇન ક્ષતિગ્રસ્ત:પાટણના દુખવાડામાં પાલિકાએ સમસ્યાનું નિરાકરણ કર્યું

Gujarat5/14/2026, 2:01:21 PM
GUDCની બેદરકારીથી ભૂગર્ભ ગટર લાઇન ક્ષતિગ્રસ્ત:પાટણના દુખવાડામાં પાલિકાએ સમસ્યાનું નિરાકરણ કર્યું
પાટણ શહેરના દુખવાડા વિસ્તારમાં GUDC દ્વારા નવી પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન જૂની ભૂગર્ભ ગટર લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. આના કારણે સમગ્ર વિસ્તારમાં ગટર ચોકઅપ થવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. પાટણ નગરપાલિકાની ટીમે ત્રણ દિવસની જહેમત બાદ આ સમસ્યાનું નિરાકરણ લાવી રિપેરિંગ કામગીરી પૂર્ણ કરી છે. આ ઘટના મોટા બહુચર માતાજીના મંદિર પાસે બની હતી, જ્યાં GUDC દ્વારા પાઇપલાઇન નાખવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન જૂની ગટર લાઇન તૂટી જતાં ગટરનું પાણી બ્લોક થઈ ગયું હતું, જેનાથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિક કોર્પોરેટર દક્ષાબેન સોલંકીએ આ બાબતે પાટણ નગરપાલિકાને જાણ કરી હતી. નગરપાલિકાના ભૂગર્ભ ગટર વિભાગના સુપરવાઇઝર અને તેમની ટીમે સ્થળ પર તપાસ કરતા GUDCની કામગીરી દરમિયાન લાઇનને નુકસાન થયું હોવાનું માલૂમ પડ્યું હતું. પાલિકાની ટીમે જેસીબી અને અન્ય સાધનોની મદદથી સતત ત્રણ દિવસ સુધી કામ કરીને ક્ષતિગ્રસ્ત લાઇનનું સમારકામ કર્યું હતું. કોર્પોરેટર દક્ષાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7માં છેલ્લા ઘણા દિવસોથી ગટરની સમસ્યા હતી. તેમણે પાલિકાના કર્મચારીઓ નટુભાઈ, ભાવેશભાઈ અને તેમની ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ખોદકામ દરમિયાન GUDCની સ્પષ્ટ ભૂલ હોવા છતાં તેઓ પોતાની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય અને બંને વિભાગો સંકલનથી કામ કરે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
Read Original Article →