પાટણમાં ઘરેલુ હિંસા અધિનિયમ પર સેમિનાર:ભગિની સમાજ અને મહિલા બાળ વિકાસ કચેરીએ આયોજન કર્યું

Gujarat6/3/2026, 11:57:17 AM
પાટણમાં ઘરેલુ હિંસા અધિનિયમ પર સેમિનાર:ભગિની સમાજ અને મહિલા બાળ વિકાસ કચેરીએ આયોજન કર્યું
પાટણના ભગિની સમાજ ખાતે મંગળવારે મહિલા અને બાળ વિકાસ કચેરીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય "ઘરેલુ હિંસા અધિનિયમ" અંગે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવાનો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા ભગિની સમાજના પ્રમુખ શ્રીમતી વાલીબેન પટેલે કરી હતી. શિબિરમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના પ્રબુદ્ધ નાગરિક લીલાબા દેવડા અને મહિલા સુરક્ષા અધિકારી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ભગિની સમાજની બહેનો દ્વારા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.ડો. લીલાબેન સ્વામીએ ઘરેલુ હિંસા કાયદાની જરૂરિયાત, તેની વ્યાખ્યા અને ભારતમાં તેનું મહત્વ સમજાવ્યું હતું. એડવોકેટ દિનેશભાઈ દરજીએ ઘરેલુ હિંસા કાયદાની કલમો વિશે સરળ ભાષામાં માહિતી આપી હતી. તેમણે મહિલાઓને ઘરેલુ હિંસાના કિસ્સામાં ક્યાં અને કેવી રીતે ન્યાય મેળવવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ફિલ્ડ વર્કર ભરતભાઈ ઠાકોરે મહિલા સશક્તિકરણ માટેની સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. મહિલા અને બાળ વિકાસ કચેરીના સમાજ સુરક્ષા અધિકારી મુકેશભાઈ પટેલે મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બની સમાજમાં ગૌરવભેર જીવન જીવવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ઘરમાં કોઈપણ પ્રકારની હિંસા ન થાય તેવા સંજોગો ઊભા ન થાય તે જોવાની જવાબદારી મહિલાઓની છે. સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે મહિલાઓએ સ્વયં જાગૃત બનવું પડશે, તેમ તેમણે ઉમેર્યું .મુખ્ય મહેમાન લીલાબા દેવડાએ જણાવ્યું હતું કે મહિલા ઘરનું ઘરેણું છે અને ઘરમાં શાંતિ તથા વ્યવસ્થા જાળવવાનું કાર્ય મહિલાઓનું છે. તેમણે મહિલાઓને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જી, બાળકો અને વડીલોની સેવા કરીને ઘરને નંદનવન બનાવવાની પ્રેરણા આપી હતી.આ શિબિરમાં કુલ 120 મહિલાઓએ ભાગ લીધો હતો. મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા મિષ્ટાન સાથે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભગિની સમાજના સભ્યો, નગરપાલિકાના ચૂંટાયેલા મહિલા સદસ્યો જેવા કે પટેલ છાયાબેન સતિષભાઈ, પટેલ ડિમ્પલબેન સંદીપકુમાર, મોદી ભૂમિકાબેન નિકુલભાઈ, પ્રજાપતિ મનીષાબેન અને ઠાકોર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા અને બાળ વિકાસ કચેરીના અધિકારીઓ, સ્ટાફ, ભગિની સમાજના કારોબારી સભ્યો અને અન્ય સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન હેમાબેન મજમુદારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ મનીષાબેન ઠક્કરે કરી હતી. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના હક વિશે જાગૃત કરવાનો અને તેમને ઘરેલુ હિંસાનો ભોગ બનતા અટકાવવાનો હતો.
Read Original Article →