પાટણ કોર્ટ લાયબ્રેરીમાં તોડફોડ, ચોરીની ફરિયાદ:જજોના ટ્રાન્સફર કાર્યક્રમ બાદ રાત્રે અજાણ્યાઓએ પાર્ટેશન તોડ્યું

Gujarat5/16/2026, 1:04:51 PM
પાટણ કોર્ટ લાયબ્રેરીમાં તોડફોડ, ચોરીની ફરિયાદ:જજોના ટ્રાન્સફર કાર્યક્રમ બાદ રાત્રે અજાણ્યાઓએ પાર્ટેશન તોડ્યું
પાટણ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ બિલ્ડીંગમાં આવેલી વકીલ બાર એસોસિએશનની લાયબ્રેરીમાં તોડફોડ અને ચોરીનો બનાવ બન્યો છે. આ અંગે પાટણ બાર એસોસિએશનના પ્રમુખ કંદર્પકુમાર ડી. આચાર્યએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ, અજાણ્યા ઈસમોએ લાયબ્રેરીનું લોખંડનું કાચવાળું એલ્યુમિનિયમનું પાર્ટેશન ગેરકાયદેસર રીતે તોડી ચોરી કરી લીધું છે. આ ઉપરાંત, લાયબ્રેરીમાં રાખેલા પુસ્તકો વેરવિખેર કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઘટના 15 મે, 2026ના રોજ બની હતી. તે દિવસે બાર રૂમમાં જજોના ટ્રાન્સફર અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે 6 વાગ્યા પછીથી રાત્રિના સુમારે અજાણ્યા ઈસમોએ પ્રમુખની મંજૂરી વગર લાયબ્રેરીમાં પ્રવેશ કર્યો હતો. બીજા દિવસે, 16 મેના રોજ સવારે વકીલો કોર્ટમાં આવતા પાર્ટેશન ગુમ થયેલું જોવા મળ્યું હતું. બાર એસોસિએશનની આ લાયબ્રેરી કોર્ટ બિલ્ડીંગના બાર રૂમમાં કાર્યરત છે. તેમાં જૂના પુસ્તકો અને વકીલો દ્વારા યોગદાનમાં અપાયેલા કબાટો રાખવામાં આવ્યા છે. સિવિલ મેન્યુઅલ મુજબ, કોર્ટ પરિસરમાં આવેલી આ લાયબ્રેરીની સુરક્ષા અને સલામતીની જવાબદારી કોર્ટના અધિકારીઓની રહે છે. ઘટનાની જાણ થતાં સવારે એડીએમના અધિકારી રાકેશકુમારને જાણ કરાઈ હતી, જેમણે કોર્ટનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું. ત્યારબાદ ઈન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ જજ બી.કે. બારોટને મૌખિક રજૂઆત કરાતા તેમણે લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હતું. પાર્ટેશન ઉપરાંત ટેબલો, પુસ્તકો વેરવિખેર થયા છે અને કેટલાક અગત્યના દસ્તાવેજો પણ ગુમ થયા હોવાની આશંકા છે. અરજીમાં જણાવાયું છે કે આ ગુનાહિત કૃત્ય કોઈ જાણકાર કે જાણભેદુ વ્યક્તિઓએ જ કર્યું હોવાની શક્યતા છે. બાર એસોસિએશને તોડફોડ કરનાર અજાણ્યા ઈસમોની શોધખોળ કરી રજીસ્ટ્રાર દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવાનો આદેશ કરવા માંગ કરી છે.
Read Original Article →