પાટણ: જ્વાલામુખી પોળમાં રોડનું કામ 10 દિવસથી બંધ:કોર્પોરેટરે ચીફ ઓફિસરને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો

Gujarat5/26/2026, 2:00:57 PM
પાટણ: જ્વાલામુખી પોળમાં રોડનું કામ 10 દિવસથી બંધ:કોર્પોરેટરે ચીફ ઓફિસરને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા પત્ર લખ્યો
પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલી જ્વાલામુખીની પોળમાં નવીન રોડનું કામ છેલ્લા 10 દિવસથી અધૂરું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું ખોદકામ કર્યા બાદ કામગીરી બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો છે. આ મામલે વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ભરત ભાટીયાએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખને ઈમેઈલ તથા વોટ્સએપ દ્વારા રજૂઆત કરી તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી છે. રોડ ખોદીને અધૂરો છોડી દેવાતા સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, રસ્તા પર ધૂળ-માટી ફેલાઈ જતાં વાહનચાલકો માટે અકસ્માતનો ભય પણ વધ્યો છે. કોર્પોરેટર ભાટીયાએ કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટની આ નિષ્ક્રિયતાને ગંભીર ગણાવી છે, અને જણાવ્યું છે કે પાલિકાની દેખરેખ હેઠળના કામમાં થતી ઢીલાશ નાગરિકોની સુરક્ષા સાથે ચેડાં સમાન છે. કોર્પોરેટર ભરત ભાટીયાએ પોતાની રજૂઆતમાં જ્વાલામુખીની પોળમાં રોડનું કામ તાત્કાલિક શરૂ કરીને પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમણે કામગીરીમાં વિલંબ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને કન્સલ્ટન્ટ સામે યોગ્ય વહીવટી કાર્યવાહી કરવાની પણ અપીલ કરી છે. રહીશોની હાલાકી દૂર કરવા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા પાલિકા તંત્રને તાકીદ કરવામાં આવી છે.
Read Original Article →