પાટણ કલેક્ટર તુષાર ભટ્ટ, મદદનીશ કલેક્ટર મોર્યની બદલી:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીની વિદાય અપાઈ, કામગીરી સરાહાઈ

Gujarat5/16/2026, 8:22:38 AM
પાટણ કલેક્ટર તુષાર ભટ્ટ, મદદનીશ કલેક્ટર મોર્યની બદલી:જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાવભીની વિદાય અપાઈ, કામગીરી સરાહાઈ
પાટણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટ તેમજ રાધનપુરના મદદનીશ કલેક્ટર રાજેશકુમાર મોર્યની બદલી થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. રાજેશકુમાર મોર્યને સહ બઢતી સાથે તાપી ખાતે બદલી કરાઈ છે. બંને અધિકારીઓએ જિલ્લામાં કુદરતી આફતો અને વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. કલેક્ટર તુષાર ભટ્ટ 15/04/2025થી પાટણ જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સમયબદ્ધ અને પારદર્શક વહીવટ, ત્વરિત કામગીરીના નિકાલ તથા પ્રજાલક્ષી અભિગમ માટે તેમણે આગવી છાપ ઉભી કરી હતી. જિલ્લામાં તીવ્ર વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો, ખાસ કરીને રાધનપુર-સાંતલપુર વિસ્તારમાં, તેમણે અસરકારક નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સુજલામ સુફલામ યોજના અને ચૂંટણી પ્રક્રિયાનું સફળ સંચાલન પણ તેમના માર્ગદર્શન હેઠળ થયું હતું. રાધનપુર ખાતે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર મોર્ય (IAS, 2022 બેચ) 02/09/2024થી જિલ્લામાં સેવા આપી રહ્યા હતા. મૂળ જયપુર, રાજસ્થાનના વતની મોર્યની સહ બઢતી સાથે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઈબલ એરિયા સબ પ્લાન, તાપી ખાતે બદલી થઈ છે. તેમના કાર્યકાળ દરમિયાન અતિવૃષ્ટિ જેવી કપરી પરિસ્થિતિઓ તેમજ સુજલામ સુફલામ જેવી મહત્વપૂર્ણ યોજનાઓના અમલીકરણમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની કાર્યપદ્ધતિ, જવાબદારી પ્રત્યેની નિષ્ઠા અને વહીવટી કુશળતાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરાહવામાં આવી હતી. વિદાય પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ બંને અધિકારીઓના કાર્યકાળને યાદગાર ગણાવી તેમના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે નવા પદ પર પણ પોતાની વહીવટી ક્ષમતા અને કાર્યદક્ષતા દ્વારા ઉત્તમ યોગદાન આપશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. કલેક્ટર તુષાર ભટ્ટે પોતાના જિલ્લાના કાર્યકાળના અનુભવો અને સંસ્મરણો વહેંચતા અધિકારીઓ તથા કર્મચારીઓને પ્રજાલક્ષી અભિગમ સાથે કાર્ય કરવા જણાવ્યું હતું અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →