જનગણના–2027 માટે કાલથી સ્વ-ગણતરી પ્રક્રિયા શરૂ:ઈન્ચાર્જ કલેક્ટર સી. એલ.પટેલની નાગરિકોને સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ
સમગ્ર ગુજરાત રાજ્ય સહિત પાટણ જિલ્લામાં જનગણના–2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આ કામગીરી બે તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઘરયાદી અને મકાનોની ગણતરી (હાઉસ લિસ્ટિંગ એન્ડ હાઉસિંગ સેન્સસ) તા. 01/06/2026 થી તા. 30/06/2026 દરમિયાન યોજાશે, જ્યારે બીજા તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી તા. 09/02/2027 થી તા. 28/02/2027 દરમિયાન હાથ ધરાશે. આ કામગીરી પૂર્વે તા. 17/05/2026 થી તા. 31/05/2026 સુધી સ્વ-ગણતરી (Self-Enumeration) પ્રક્રિયા શરૂ થનાર છે. આ અંગે ઈન્ચાર્જ કલેક્ટર સી. એલ. પટેલે પાટણ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ પોતાની માહિતી ઓનલાઈન ભરી સ્વ-ગણતરી કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વ-ગણતરી પૂર્ણ થયા બાદ 11 આંકડાનો એક યુનિક આઈ.ડી. જનરેટ થશે, જેને સાચવી રાખવાનો રહેશે. બાદમાં ગણતરી માટે ઘરે આવનાર અધિકારી અથવા કર્મચારીને આ આઈ.ડી. આપવાથી પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકશે. ઈન્ચાર્જ કલેક્ટરે પાટણ જિલ્લાના તમામ નાગરિકોને સ્વ-ગણતરી પ્રક્રિયામાં સક્રિય સહભાગી બની જનગણના–2027ને સફળ અને સુવ્યવસ્થિત બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી.
Read Original Article →