પાટણ પોલીસસ્ટેશનોમાં બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષાની સરપ્રાઇઝ વિઝિટ:'ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમ' બનાવવા આદેશ, પોક્સો કેસોની સમીક્ષા
ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજરે પાટણ જિલ્લાના બી-ડિવિઝન અને સરસ્વતી પોલીસ સ્ટેશનોની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે કાયદાકીય જોગવાઈઓ, બાળ સુરક્ષાની સ્થિતિ અને પોકસો (POCSO) કેસોની ઝીણવટભરી સમીક્ષા કરી. પોલીસ સ્ટેશનોમાં બાળકો માટે 'ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમ'ની વ્યવસ્થા ન હોવાથી તાત્કાલિક તે ઊભી કરવા સૂચના આપી હતી. અધ્યક્ષાએ બંને પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બાળ અધિકાર અને 'જુવેનાઇલ જસ્ટિસ એક્ટ'ના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પોકસો કેસો અંગે પણ પૃચ્છા કરી હતી. આ ચર્ચા દરમિયાન, સરસ્વતી પોલીસ સ્ટેશનના અધિકારીએ એક ટ્રેન્ડ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લામાં હાલમાં 15 થી 18 વર્ષની સગીર વયની દીકરીઓ ઘરેથી ભાગી જવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે, જેની પાછળ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો પ્રભાવ મુખ્ય જવાબદાર પરિબળ છે. અધ્યક્ષાએ પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કાયદાના દાયરામાં આવતા બાળકો સાથે અત્યંત સંવેદનશીલતા અને બાળ સહજ ભાવથી કામ લેવું જોઈએ. બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ થતા બાળકો સાથે સંપૂર્ણપણે મૈત્રીપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં કામગીરી થતી હોવાનું સમિતિના ચેરમેન સુરેશ જોષીએ જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યો, પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →