પાટણજિલ્લાના 750 કેમિસ્ટો દેશવ્યાપી હડતાળમાં જોડાયા:ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લીકેટ દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ; કડક કાયદો લાવવા ઉગ્ર માંગ

Gujarat5/20/2026, 5:45:25 AM
પાટણજિલ્લાના 750 કેમિસ્ટો દેશવ્યાપી હડતાળમાં જોડાયા:ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લીકેટ દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ; કડક કાયદો લાવવા ઉગ્ર માંગ
ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર રાષ્ટ્રવ્યાપી હડતાળના ભાગરૂપે આજે પાટણ શહેર અને જિલ્લાનાઆશરે 750 હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર સંચાલકોએ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો છે હડતાળ વચ્ચે ઇમરજન્સી તબીબી સેવાઓ યથાવત આ હડતાળને કારણે સ્થાનિક સ્તરે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જોકે, સામાન્ય જનતાને કોઈ ગંભીર અસુવિધા ન ભોગવવી પડે તે માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેરમાં 24 કલાક કાર્યરત રહેતી ઇમરજન્સી મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવી છે, જેથી નાગરિકો કટોકટીના સમયે જરૂરી દવાઓ મેળવી શકે. બંધ રહેલા મેડિકલ સ્ટોર્સની બહાર હડતાળના બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં દર્દીઓને થનારી અસુવિધા બદલ સંચાલકો દ્વારા ક્ષમાયાચના પણ માંગવામાં આવી છે. કોરોના કાળની રાહતો હવે નાના વેપારીઓ માટે આર્થિક ફટકો કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકારે ઓનલાઈન વ્યાપાર કરનાર કેમિસ્ટો સામે અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં લીધા નથી, જેના કારણે હવે એસોસિએશન આક્રમક મૂડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં લોકો ઘરની બહાર ન નીકળે અને તેમના ઘર સુધી દવાઓ સરળતાથી પહોંચી શકે તેવા આશયથી તત્કાલીન સમયે ઓનલાઈન દવાના વેપારને સરકારી મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેટ ડિસ્કાઉન્ટના નામે ડુપ્લીકેટ દવાઓનું જોખમ જોકે, હવે આ ઓનલાઈન વ્યવસ્થાના કારણે સ્થાનિક સ્તરે પ્રામાણિક વેપાર કરતા નાના વેપારીઓને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનો દાવો કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યો છે કે, મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા અલગ-અલગ આકર્ષક ડિસ્કાઉન્ટના નામે સામાન્ય લોકોને ડુપ્લીકેટ અને અપ્રમાણિત દવાઓ પધરાવવામાં આવી રહી છે. નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ સામે પાંચ મુખ્ય માંગણીઓ આ ઉપરાંત, ઓનલાઈન પ્લેટફોર્મ પર નશાકારક દવાઓનું વેચાણ પણ કોઈ પણ જાતના નિયંત્રણ વિના બેરોકટોક થઈ રહ્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને દેશની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે કેમિસ્ટો દ્વારા 5 મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. જેમાં ઓનલાઈન દવાનું વેચાણ સંપૂર્ણ બંધ કરવું, કોરોના સમયે અપાયેલી છૂટછાટો રદ કરવી, કોર્પોરેટ કંપનીઓનું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરાવવું, ગેરકાયદે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવો અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ અટકાવવાનો સમાવેશ થાય છે. ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરનારા અસામાજિક તત્વો સામે અત્યંત કડક કાયદાકીય જોગવાઈઓ લાવવાની માંગ પણ આ આંદોલન દ્વારા બુલંદ કરવામાં આવી છે. તાલુકા મથકો પર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાઈ પાટણ જિલ્લા કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખ કેતન પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે 750 જેટલા હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર્સ છે અને આ હડતાળમાં પાટણ કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશન સંપૂર્ણપણે જોડાયું છે. જોકે, દર્દીઓને સારવારમાં કોઈ મોટી તકલીફ ન પડે તે માટે માનવતાના ધોરણે દરેક તાલુકા વાઇઝ 2 મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવા માટે એસોસિએશન દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. હાલાકી ભોગવતા સામાન્ય નાગરિકોનો આક્રોશ મુકેશભાઈ (સ્થાનિક નાગરિક): "હું હોસ્પિટલથી સીધો દવા લેવા આવ્યો હતો, પરંતુ હડતાળના હિસાબે બધી દુકાનો બંધ હોવાથી મારો ધક્કો પડ્યો છે અને ભારે મુશ્કેલી થઈ રહી છે." રબારી આશિષ (સ્થાનિક નાગરિક): "હું મારી માતા માટે બીપીની અત્યંત જરૂરી ગોળી લેવા આવ્યો હતો, પણ અહીં મેડિકલ બંધ છે. હવે મારે બીજી દુકાનો પર ભટકવું પડશે. જો તાત્કાલિક ગોળી નહીં મળે તો તેમની તબિયત લથડશે, આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ?"
Read Original Article →