હારીજ તાલુકાના યુવક સાથે લગ્નના બહાને રૂ. 2 લાખની છેતરપિંડી:પૈસા મેળવ્યા બાદ બહાના બતાવી લગ્નનો ઇનકાર કરી દીધો, પાંચ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ
પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, હારીજ તાલુકાના રવિન્દ્રા ગામના વતની અને હાલ ચંદ્રુમણા ગામે ખેતમજૂરી કરતા 23 વર્ષીય યુવક સાથે લગ્નના બહાને રૂ. 2 લાખની છેતરપિંડી થઈ છે. ફરિયાદીના બહેનના વેવાઈ સેજુ કિરા ગમારે યુવકના લગ્ન હિરલ બાબુભાઈ ગમાર સાથે કરાવવાની વાત કરી હતી. આ સગપણ નક્કી કરવા માટે ફરિયાદી અને તેમનો પરિવાર જાન્યુઆરી 2026માં સાબરકાંઠાના કોતડા ગામે છોકરી જોવા ગયો હતો, જ્યાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 22 જાન્યુઆરી 2026ના રોજ આરોપીઓ ચંદ્રુમણા અને રવિન્દ્રા ગામે ઘર જોવા આવ્યા હતા. સેજુ ગમારે હિરલની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાવી લગ્ન જલ્દી પતાવવા માટે રૂ. 2,50,000ની માંગણી કરી હતી. ફરિયાદીના પિતાએ પોતાનું ખેતર ગીરો મૂકી નાણાંની વ્યવસ્થા કરી હતી. 23 જાન્યુઆરી 2026ના રોજ ચંદ્રુમણા ગામે સાક્ષીઓની હાજરીમાં રૂ. 2,00,000 રોકડા આરોપી સેજુ અને ભમરુને આપવામાં આવ્યા હતા, જેનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. નાણાં લીધા બાદ હિરલ ત્રણ દિવસ ફરિયાદીના ઘરે રોકાઈ હતી અને ત્યારબાદ તે પોતાના વતન કોતડા પરત ફરી હતી. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે ફરિયાદી પક્ષ લગ્નની વાત કરવા કોતડા ગામે ગયો, ત્યારે આરોપીઓએ હિરલને ખેતમજૂરી કરવી નથી અને લગ્ન કરવા નથી તેમ કહી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આરોપીઓએ લીધેલા રૂ. 2,00,000 પરત કરવાનું વચન આપ્યું હતું. લાંબા સમય સુધી નાણાં પરત ન મળતા આખરે યુવકે પોલીસનો સંપર્ક કર્યો હતો. આ મામલે પાટણ તાલુકા પોલીસે સેજુ કિરા ગમાર, ભમરુ સાયબા ગમાર, કરિશ્માબેન જોના ગમાર, હિરલ બાબુ ગમાર અને બાબુ ગુજરા ગમાર (તમામ રહે. કોતડા, જિ. સાબરકાંઠા) વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 318(4) અને 54 મુજબ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ પરેશ લક્ષ્મણભાઈને વધુ તપાસ સોંપી છે.
Read Original Article →