પાટણ-ચંદ્રુમાણા બસનો સમય બદલાયો, વિદ્યાર્થીઓ પરેશાન:શાળા છૂટ્યા પછી ઘરે પહોંચવામાં મુશ્કેલી, સરપંચની રજૂઆત
પાટણથી ચંદ્રુમાણા જતી સાંજની એસટી બસનો સમય વિદ્યાર્થીઓને અનુકૂળ ન હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. પાટણ એસટી ડેપો દ્વારા સમય બદલવાની રજૂઆતને ગંભીરતાથી ન લેવાતાં, ગામના સરપંચે વિભાગીય એસટી નિયામકને લેખિત ફરિયાદ કરી છે. અગાઉ સાંજે 5:30 કલાકે ઉપડતી આ બસનો સમય પાટણ એસટી ડેપો દ્વારા સવા પાંચ વાગ્યાનો કરી દેવાયો છે. આ કારણે શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓ આ બસનો લાભ લઈ શકતા નથી. તેમને અન્ય વાહનો દ્વારા ઘરે પહોંચવું પડે છે અથવા સાંજે 7:00 વાગ્યા પછીની છેલ્લી બસની રાહ જોવી પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને હારીજની બસમાં અડિયા સુધી મુસાફરી કરીને ત્યાંથી બીજા વાહનોમાં ઘરે જવાની ફરજ પડે છે. ગ્રામ પંચાયતના ધ્યાનમાં આ બાબત આવતાં, સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે ગત ડિસેમ્બરમાં પાટણ એસટી ડેપો મેનેજરને બસનો સમય 5:30 વાગ્યાનો કરવા લેખિત રજૂઆત કરી હતી. ડેપો મેનેજરને ફોન દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી બસનો સમય બદલવામાં આવ્યો નથી. આખરે, સરપંચ કાજલબેન વ્યાસે મહેસાણા સ્થિત વિભાગીય નિયામક કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. આ અંગે પાટણ ડેપો મેનેજર વિપુલ રાવલનો સંપર્ક કરતાં, તેમણે અગાઉ નવીન બસ સ્ટેશન શરૂ કરવાની કામગીરીને સમય ન બદલવાનું કારણ જણાવ્યું હતું. જોકે, નવીન બસ સ્ટેશન કાર્યરત થઈ ગયા પછી પણ બસના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Read Original Article →