સુપ્રીમ કોર્ટ દ્વારા વિશેષ લોક અદાલતનું આયોજન:પાટણના પક્ષકારોને કેસ સમાધાન માટે માર્ગદર્શન મળશે
ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાય વ્યવસ્થાને સરળ, સુલભ અને નિઃશુલ્ક બનાવવાના હેતુથી "સમાધાન સમારોહ - 2026 સ્પેશિયલ લોક અદાલત"નું આયોજન કર્યું છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ સમાધાનલાયક કેસોમાં પરસ્પર સંમતિ અને મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ઝડપી નિરાકરણ લાવવાનો છે. પાટણ જિલ્લાના જે પક્ષકારોના કેસો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેઓ આ સમાધાન સમારોહમાં ભાગ લેવા ઈચ્છે છે, તેઓ સ્થાનિક સ્તરે માર્ગદર્શન મેળવી શકે છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણના સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) આઈ. આઈ. પઠાણે આ અંગે જાહેરમાં અપીલ કરી છે. પક્ષકારો અને વકીલો પાટણ જિલ્લા ન્યાયાલય બિલ્ડિંગ ખાતે રૂમ નં-103, પ્રથમ માળ પર કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. વૈકલ્પિક રીતે, તેઓ ટેલિફોન નંબર 02766225499 પર ફોન કરીને જરૂરી તમામ સહાય મેળવી શકે છે. આ વિશેષ સમાધાન સમારોહ ગત 21મી એપ્રિલથી શરૂ થઈ ચૂક્યો છે. આ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છતા પક્ષકારો, વકીલો કે હિતધારકો વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન માધ્યમથી પણ જોડાઈ શકે છે. પક્ષકારોએ સુપ્રીમ કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ગૂગલ ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે, જેની અંતિમ તારીખ 31 મે 2026 છે. આ સમારોહનું સમાપન આગામી 21, 22 અને 23 ઓગસ્ટ 2026 ના રોજ વિશેષ લોક અદાલતના આયોજન સાથે થશે. જો કોઈ પક્ષકાર સીધો દિલ્હી ખાતે સંપર્ક કરવા ઈચ્છતો હોય તો સુપ્રીમ કોર્ટ ખાતે કાર્યરત વન સ્ટોપ સેન્ટર (રૂમ નં. 806 અને 808, બી બ્લોક, એડિશનલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, સુપ્રીમ કોર્ટ દિલ્હી) નો સંપર્ક કરી શકે છે. તેના ફોન નંબર્સ છે: 011-23112428, 011-23112528, 011-23116464, 011-23116465. ડિરેક્ટરનો સંપર્ક નંબર 011-23115652 છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાટણ દ્વારા અપીલ કરવામાં આવી છે કે લાંબા સમયથી ચાલતા વિવાદોનો કાયમી, સંતોષકારક અને મૈત્રીપૂર્ણ અંત લાવવા માટે પાટણ જિલ્લાના મહત્તમ લોકો આ વિશેષ લોક અદાલતનો લાભ લે.
Read Original Article →