પાટણની બોમ્બે મેટલ શાળામાં ત્રિવિધ કાર્યક્રમ:શિક્ષકોને એવોર્ડ, વિદ્યાર્થીઓને ઇનામ, બાળકોને આઈસ્ક્રીમ અપાયા
પાટણની ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં માનવસેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ' એનાયત કરાયા હતા, કલા મહાકુંભના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અપાયા હતા અને શાળાના તમામ બાળકોને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત યુવક મંડળ પાટણના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ કે. પટેલ, સહમંત્રી અશોકભાઈ પટેલ, કારોબારી સભ્ય મનોજભાઈ પટેલ તેમજ માનવસેવા ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ આર. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોનું સુખડ અને બુકેથી સ્વાગત કરી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. માનવસેવા ટ્રસ્ટ ગુજરાત સમાજમાં જરૂરિયાતમંદ બાળકો માટે શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યો કરે છે. ટ્રસ્ટના પ્રમુખ દીપકભાઈ આર. મકવાણા શાળાના શિક્ષકોના ઉત્તમ શૈક્ષણિક કાર્ય, બાળકો અને વાલીઓ સાથેના સુમેળભર્યા સંબંધો, બાળકોની વિશેષ કાળજી અને સતત વાલી સંપર્ક જેવી બાબતોથી પ્રભાવિત થયા હતા. આથી, ટ્રસ્ટ દ્વારા શાળાના શિક્ષકોને દીપકભાઈ આર. મકવાણા, મયંક મકવાણા, મહેન્દ્રભાઈ કે. પટેલ અને અશોકભાઈ પટેલના હસ્તે 'શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ' અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દીપકભાઈ મકવાણા તરફથી સ્વાગત ગીત રજૂ કરનાર તમામ બાળાઓને ₹1000 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કલા મહાકુંભમાં દ્વિતીય સ્થાન મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ₹750ના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે, શાળાના કુલ 480 બાળકોને દીપકભાઈ પરીખ અને શાળાના વાલી સતીષભાઈના સૌજન્યથી આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવારે માનવસેવા ટ્રસ્ટ ગુજરાત, દીપકભાઈ પરીખ અને વાલી સતીષભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →