પાટણના ભીલવાસમાં પાણી-ગંદકીનો પ્રશ્ન:મહિલાઓએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
પાટણ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા મીરા દરવાજા ભીલવાસ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. ઉનાળાના પ્રારંભે જ આ વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગૃહિણીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મહિલાઓના જણાવ્યા અનુસાર, તેમને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણી મળતું નથી. પીવાના પાણીની સમસ્યા ઉપરાંત, વિસ્તારમાં સ્વચ્છતાનો પણ અભાવ છે. ઠેર-ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે, જેના કારણે સ્થાનિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, "ચૂંટણી સમયે નેતાઓ 'માતાજી' કહીને પગે લાગે છે અને અનેક વાયદાઓ કરીને વોટ લઈ જાય છે. પરંતુ ચૂંટાયા પછી પાંચ વર્ષ સુધી તેઓ ક્યારેય વિસ્તારની મુલાકાત લેતા નથી." મહિલાઓએ રોષપૂર્વક ચીમકી ઉચ્ચારી છે કે જો આ વખતે લાયક અને કામ કરે તેવા ઉમેદવારો મેદાનમાં નહીં હોય અથવા તેમની સમસ્યાઓનું કાયમી નિરાકરણ નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે જનતાનો આ રોષ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બની શકે છે.
Read Original Article →