પાટણના બલિયા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા પાઠ:દર શનિવારે સુંદરકાંડ અને ભજન-કીર્તનનું ભક્તિમય આયોજન

Gujarat5/24/2026, 12:19:20 PM
પાટણના બલિયા હનુમાન મંદિરે હનુમાન ચાલીસા પાઠ:દર શનિવારે સુંદરકાંડ અને ભજન-કીર્તનનું ભક્તિમય આયોજન
પાટણ શહેરમાં આવેલા પૌરાણિક શ્રી બલિયા હનુમાનજી મંદિરે દર શનિવારે ભક્તિમય માહોલ સર્જાય છે. અહીં સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, ભજન-કીર્તન અને મહાપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ કાર્યક્રમોમાં પાટણ સહિત દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભક્તો શ્રી બલિયા હનુમાનજી મહારાજ પ્રત્યે અખૂટ શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે.અનેક ભક્તો પોતાની મનોકામનાઓ, નોકરી, સંતાનના લગ્ન, પારિવારિક સુખ-શાંતિ તથા વિવિધ સામાજિક પ્રશ્નોને લઈને દાદાના ચરણોમાં અરજી મૂકી પ્રાર્થના કરે છે. ભક્તોની માન્યતા છે કે શ્રી બલિયા હનુમાનજી મહારાજ તેમની શ્રદ્ધા અને ભક્તિ પ્રમાણે મનોકામનાઓ પૂર્ણ કરે છે.મંદિરના મહંત શ્રી વૈષ્ણવ હરિદાસજી મહારાજ ભક્તોની સેવા અને ધાર્મિક કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે. અહીં કોઈપણ ભક્ત પાસેથી કોઈ પ્રકારની રકમ લેવામાં આવતી નથી. માત્ર ભક્તોની અરજીઓ દાદાના ચરણોમાં મૂકી તેમની સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. દર શનિવારે સાંજે ચાર વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ભજન-કીર્તન અને પાઠના કાર્યક્રમો ચાલે છે. આમાં સેવકો પણ સુંદર સેવા આપી ભક્તિભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમના અંતે ભોજન પ્રસાદનું પણ આયોજન થાય છે. પાટણ ઉપરાંત બનાસકાંઠા, અમદાવાદ, સુરત સહિત વિવિધ શહેરોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. તેઓ પોતાની અરજીઓ દાદાના ચરણોમાં અર્પણ કરે છે.મનોકામનાઓ પૂર્ણ થતાં ભક્તો પ્રસાદનું આયોજન કરી પોતાની આસ્થા વ્યક્ત કરે છે. પાટણનું આ પવિત્ર ધામ ભક્તિ, સેવા અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર બની લોકઆસ્થાનું પ્રતિક બન્યું છે.
Read Original Article →