પાટણ APMCએ 37 પરિવારોને અકસ્માત મૃત્યુ વીમા સહાયના ચેક આપ્યાં:મૃતકના પરિવારને ₹1 લાખની સહાય, અંગદાતાના પરિવારને પણ ₹5 લાખથી વધુની સહાય અપાશે
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા શુક્રવારે 37 પરિવારોને અકસ્માત મૃત્યુ વીમા સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ દરેક મૃતકના પરિવારને ₹1 લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ વીમા કવચ યોજના માર્કેટ યાર્ડના વેપારીઓ, ખેડૂતો, કર્મચારીઓ તેમજ યાર્ડ સાથે સંકળાયેલા મજૂરો માટે અમલમાં છે. આ વીમાનું પ્રીમિયમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ભરવામાં આવે છે. વર્ષ 2025-26 માટે કુલ 83 અકસ્માત મૃત્યુ સહાયના ક્લેમ કરવામાં આવ્યા હતા, જેમાંથી 39 ક્લેમ મંજૂર થયા હતા. આ પૈકી, બે ક્લેમ સામાન્ય ક્વેરીના કારણે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 37 ક્લેમની રકમના ચેક મૃતકના સ્વજનોને યાર્ડ ખાતે બોલાવીને સુપ્રત કરાયા હતા. આ ચેક વિતરણ પ્રસંગે APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, એકાઉન્ટન્ટ સંજયભાઈ પટેલ અને પિયુષભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મૃતકના સ્વજનોને ચેક અર્પણ કરી સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલા લોકોને દુઃખના સમયે યાર્ડ કઈ રીતે મદદરૂપ બની શકે તેવા હંમેશા પ્રયત્નો રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યાર્ડની અંગદાન મુહિમમાં પણ યાર્ડ સાથે સંકળાયેલા એક અંગદાતાના પરિવારજનોને આગામી દિવસોમાં યાર્ડ ખાતે બોલાવીને ₹5 લાખથી વધુની સહાયનો ચેક અર્પણ કરવામાં આવશે. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ ચેક સ્વીકારતી વખતે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો પોતાના દુઃખમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →