પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો:ગટરના પાણીથી વેલ બેફામ ફેલાતા રોગચાળાનો ભય; કારોબારી ચેરમેને ગંદા પાણીનો આવરો બંધ કરવા પાલિકાને જાણ કરી

Gujarat5/24/2026, 3:14:09 AM
પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો:ગટરના પાણીથી વેલ બેફામ ફેલાતા રોગચાળાનો ભય; કારોબારી ચેરમેને ગંદા પાણીનો આવરો બંધ કરવા પાલિકાને જાણ કરી
પાટણના આનંદ સરોવરમાં જળકુંભીનો વ્યાપક ફેલાવો થયો છે. આસપાસની સોસાયટીઓમાંથી આવતા ગટરના ગંદા પાણીને કારણે આ ઝેરી વેલ બેફામ રીતે ફેલાઈ રહી છે, જેના લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને સ્થાનિક રહીશોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે. નગરપાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગંદા પાણીનો આવરો સદંતર બંધ કરવાની માંગ ઉઠી છે. શહેરની શાન સમાન ગણાતા આ આનંદ સરોવરમાં જળકુંભીની લીલી ચાદર પથરાઈ જતાં પાણી દૂષિત બન્યું છે. સવારના સમયે મોર્નિંગ વોક માટે આવતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીમાં રહેલા પોષકતત્ત્વો જળકુંભીના ઝડપી વિકાસ માટે જવાબદાર છે. વર્ષ 2004માં પાટણના તત્કાલીન ધારાસભ્ય આનંદીબેન પટેલના પ્રયાસો, લોકભાગીદારી અને સરકારી સહાયથી આ તળાવને 'આનંદ સરોવર' અને સુંદર બગીચા તરીકે વિકસાવવામાં આવ્યું હતું. જોકે, સમય જતાં યોગ્ય જાળવણીના અભાવે આ સુંદર બગીચો હવે ઉજ્જડ બની રહ્યો છે અને તળાવ તેના જૂના સ્વરૂપ 'ગુંગડી તળાવ' તરફ ધકેલાઈ રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને તજજ્ઞોના મતે, આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તળાવમાં આવતો ગટરના ગંદા પાણીનો આવરો બંધ કરવો અનિવાર્ય છે. આ ઉપરાંત, જો સરોવરમાં એક વખત 4 ફૂટ જેટલું ઊંડું ખોદકામ કરીને તમામ વેલોને મૂળમાંથી ખોદી કાઢવામાં આવે, તો જ આ સરોવર ફરીથી સ્વચ્છ અને સુંદર બની શકે તેમ છે. આ અંગે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેન નીલમ પટેલે જણાવ્યું હતું કે, આનંદ સરોવરમાં પથરાયેલી કુંભવેલના કાયમી નિકાલ માટે જ્યાંથી પણ ગંદા પાણીનો આવરો આવે છે, તેને બંધ કરવા માટે નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં આ આવરો બંધ થઈ જશે અને સંબંધિત શાખાને તાત્કાલિક અસરથી ગંદા પાણીનો આવરો બંધ કરવા કડક સૂચનાઓ આપવામાં આવશે.
Read Original Article →