પાટણના આનંદ સરોવરમાં ગંદા પાણીનો આવરો: નગરપાલિકાની કડક કાર્યવાહી:જવાબદારોને નોટિસ ફટકારાઈ; ચેરમેને સ્થળ મુલાકાત લઈ ઉકેલની ખાતરી આપી

Gujarat5/26/2026, 12:00:26 PM
પાટણના આનંદ સરોવરમાં ગંદા પાણીનો આવરો: નગરપાલિકાની કડક કાર્યવાહી:જવાબદારોને નોટિસ ફટકારાઈ; ચેરમેને સ્થળ મુલાકાત લઈ ઉકેલની ખાતરી આપી
પાટણના ઐતિહાસિક આનંદ સરોવરમાં ગંદા પાણીના નિકાલ મામલે નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. સરોવરમાં ગંદકી ફેલાવતા સ્ત્રોતોની ઓળખ કરી તેને તાત્કાલિક બંધ કરવા માટે પાલિકાની ટીમે સ્થળ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જવાબદાર વ્યક્તિઓને નોટિસ પણ પાઠવવામાં આવી છે. આનંદ સરોવરમાં ગંદા પાણીની સમસ્યા અંગે કારોબારી ચેરમેન નીલમ પટેલે પાલિકાની ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, ડીએસપી ઓફિસ, હાઈવે નજીકના વિસ્તારો અને બળિયા હનુમાન તરફથી ગંદા પાણીનો પ્રવાહ સરોવરમાં વહી રહ્યો હતો. આ સ્ત્રોતોને શોધી કાઢ્યા બાદ તેના કાયમી નિકાલ માટે નગરપાલિકાની ટેકનિકલ ટીમ સાથે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચેરમેન નીલમ પટેલે જણાવ્યું કે, આગામી બે દિવસમાં સરોવરમાં આવતું ગંદુ પાણી સંપૂર્ણપણે બંધ થઈ જશે તેવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે વ્યક્તિઓના ઘરેથી કે ચોક્કસ એકમોમાંથી ગંદા પાણીનો આવરો સરોવર તરફ વળતો હતો, તેવા તમામ જવાબદારોની ઓળખ કરી તેમને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર આગામી દિવસોમાં પણ આ પ્રકારની મોનિટરિંગ કામગીરી ચાલુ રાખશે.
Read Original Article →