પાટણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને 14 પ્રકારના ફળોની આંગી:અધિક માસની પાંચમે ભક્તો ઉમટ્યા, દરરોજ કથા-મહાઆરતીનું આયોજન

Gujarat5/21/2026, 11:45:16 AM
પાટણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને 14 પ્રકારના ફળોની આંગી:અધિક માસની પાંચમે ભક્તો ઉમટ્યા, દરરોજ કથા-મહાઆરતીનું આયોજન
પવિત્ર અધિક માસ નિમિત્તે પાટણના કોઠાકુઈ સ્થિત ગંગામૈયાની વાડી ખાતે આવેલા શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના મંદિરે વિશેષ આંગીનું આયોજન કરાયું હતું. અધિક માસની પાંચમ નિમિત્તે ભગવાનને 14 પ્રકારના ફળો અને સૂકામેવાનો દિવ્ય શણગાર (આંગી) કરવામાં આવ્યો હતો. આ આંગીમાં સફરજન, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ, કાજુ અને બદામ સહિતના વિવિધ મોસમી ફળો અને સૂકામેવાનો ઉપયોગ થયો હતો. આ મનોહર દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અખાડાના મહંત ખોડાગીરી મહારાજે જણાવ્યું હતું કે, સમગ્ર અધિક માસ દરમિયાન અહીં વિવિધ ધાર્મિક મહોત્સવો ઉજવાઈ રહ્યા છે. મંદિર પરિસરમાં દરરોજ સવારે 9:00 કલાકે પવિત્ર કથાનું રસપાન કરાવવામાં આવે છે, જ્યારે સાંજે મહાઆરતી યોજાય છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તર ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ એકમાત્ર સ્વયંભૂ મંદિર છે. આ કારણે અધિક માસ દરમિયાન અહીં દર્શન અને ભક્તિનું વિશેષ મહાત્મ્ય રહેલું છે.
Read Original Article →