પાટણમાં 895 બેઠકો પર RTE હેઠળ મફત પ્રવેશ:ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા,17 એપ્રિલ સુધી ચાલશે

Gujarat4/5/2026, 6:12:39 AM
પાટણમાં 895 બેઠકો પર RTE હેઠળ મફત પ્રવેશ:ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા,17 એપ્રિલ સુધી ચાલશે
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ ધોરણ-1માં મફત પ્રવેશ માટેની ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પાટણ સહિત સમગ્ર રાજ્યમાં 4 એપ્રિલ, 2026 થી શરૂ થઈ ગઈ છે. વાલીઓ 17 એપ્રિલ, 2026 સુધી સત્તાવાર વેબસાઈટ rte.orpgujarat.com પરથી ઓનલાઈન અરજી કરી શકશે. પાટણ જિલ્લામાં કુલ 105 ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE અંતર્ગત ધોરણ-1માં પ્રવેશ માટે આ વર્ષે 895 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો પર પ્રવેશ મેળવવા માટે વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન, 2026 ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી ફરજિયાત છે. એટલે કે, બાળકની જન્મ તારીખ 2 જૂન, 2019 થી 1 જૂન, 2020 ની વચ્ચે હોવી જોઈએ. વાલીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. આરટીઈ પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે વાલીઓએ બાળક અને વાલીનું આધારકાર્ડ, જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (જેમ કે ભાડાકરાર અથવા લાઈટ બિલ), આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવા. આ વર્ષે રાજ્યભરમાં અંદાજે 84,000 થી વધુ બેઠકો પર RTE હેઠળ પ્રવેશ આપવામાં આવશે, જેમાં પાટણ જિલ્લાને 895 બેઠકો ફાળવવામાં આવી છે. વાલીઓને સૂચના આપવામાં આવી છે કે આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન અને નિઃશુલ્ક હોવાથી કોઈપણ એજન્ટ કે લેભાગુ તત્વોના સંપર્કમાં ન આવવું. પ્રવેશ માટે અગ્રતાક્રમ મુજબ અનાથ બાળક, સંભાળ-સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક, બાલગૃહના બાળકો, બાળમજૂર-સ્થાનાંતરિત મજૂરના બાળકો, મંદબુદ્ધિ-સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ બાળકો, એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપી સારવાર લેતા બાળકો, શહીદ થયેલ લશ્કરી-પોલીસદળના જવાનોના બાળકો, માતા-પિતાને સંતાનમાં એક જ દીકરી હોય તેવું બાળક, અનુસૂચિત જાતિ-જનજાતિ (SC-ST), SEBC-જનરલ સહિતના BPL કુટુંબના બાળકો, SC-ST કેટેગરીના બાળકો, SEBC-EWS-વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો, રાજ્ય સરકારની આંગણવાડીના બાળકો અને સામાન્ય કેટેગરી (બિનઅનામત) ના બાળકોનો સમાવેશ થાય છે.
Read Original Article →