સિદ્ધપુર હાઈવે પર શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપાયો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસનું ચેકિંગ, 7.70 લાખની કિંમતના 308 ડબ્બા જપ્ત
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી તપાસમાં અશોક લેલન બડા દોસ્ત ગાડીમાંથી 308 ડબ્બા શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત 7.70 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ કાર્યવાહી સિદ્ધપુર હાઈવે પર ગોકુળ યુનિવર્સિટી સામે કરવામાં આવી હતી. સરહદી રેન્જ ભુજ આઈજી ચિરાગ કોરડીયા, પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સઘન વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સફેદ કલરની અશોક લેલન બડા દોસ્ત ગાડીને રોકાવીને તપાસ કરાઈ હતી. ગાડીમાં સવાર વિજય અમૃતલાલ ગાંડાજી ઠાકોર (ઉં.વ. 26) અને સચીન દિવાનજી લાલાજી ઠાકોર (ઉં.વ. 27), બંને રહે. નરોડા, અમદાવાદનાઓની પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, ઘીના જથ્થા બાબતે ડ્રાઈવર પાસે કોઈ સંતોષકારક જવાબ ન મળતા પોલીસે માર્કા વગરના શંકાસ્પદ ઘીના ડબ્બા જપ્ત કર્યા હતા. પોલીસે 15 કિલોગ્રામના કુલ 308 નંગ શંકાસ્પદ ઘીના ડબ્બા, જેની કિંમત 7,70,000 રૂપિયા થાય છે, તે જપ્ત કર્યા છે. આ ઉપરાંત 5,00,000 રૂપિયાની અશોક લેલન ગાડી પણ કબ્જે કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ 12,70,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે. ઝાલા, પી.એસ.આઈ. જે.આર. શુક્લા તેમજ એ.એસ.આઈ. નિલેશકુમાર, રાહુલકુમાર, દેવશી અને અન્ય પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસે હાલ આ જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →