HNGUનો 20 કોલેજોના જોડાણ રદ કરવાનો નિર્ણય:એકેડેમિક કાઉન્સિલ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી વિનાની કોલેજો સામે કડકાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણની એકેડેમિક કાઉન્સિલની એક મહત્વની બેઠક કુલપતિ ડો. કિશોર પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં યુનિવર્સિટી સંલગ્ન 20 કોલેજોના જોડાણ રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારની સૈદ્ધાંતિક મંજૂરી ન હોવા અને લાયઝન ઇન્સ્પેક્શન કમિટી (LIC)ના નકારાત્મક (નેગેટિવ) અહેવાલોને આધારે બોર્ડ ઓફ ડીન્સના અભિપ્રાયનો સ્વીકાર કરીને આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેઠકમાં સ્પષ્ટ કરાયું હતું કે સૈદ્ધાંતિક મંજૂરી વિનાની આ કોલેજોને હવેથી નવા વિદ્યાર્થીઓ ફાળવવામાં આવશે નહીં. 5 ટ્રસ્ટ હેઠળ ચાલતી આ 20 કોલેજોના જોડાણ પરત ખેંચાતા શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શૈક્ષણિક સત્રથી નવો કોર્સ અને SOPની મંજૂરી બેઠકમાં વિદ્યાર્થીઓના હિતમાં અન્ય કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવાયા હતા: નવો અભ્યાસક્રમ: યુનિવર્સિટીના ખેડબ્રહ્મા-વડાલી ખાતેના સબ-સેન્ટરમાં ચાલુ શૈક્ષણિક સત્રથી જ 'એમએસસી આઈટી' (MSc IT) નો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેને જીકાસ (GCAS) પોર્ટલ પર પણ ઉપલબ્ધ કરાશે. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP): ડિપ્લોમા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરના અભ્યાસક્રમ માટે નિયમોના આધારે વિદ્યાર્થીઓની સંખ્યા ભરવાની મંજૂરી આપવામાં આવી છે અને તે માટે એક ચોક્કસ SOP બનાવવાનું નક્કી કરાયું છે. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને સ્ટાફની ભરતી અંગે નિર્ણય કોલેજોના વહીવટી માળખાને મજબૂત કરવા માટે પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જે કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલ નથી, ત્યાં સુધી જે-તે કોલેજના 'સિનિયર મોસ્ટ' (સૌથી વરિષ્ઠ) અધ્યાપકને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત, શૈક્ષણિક ગુણવત્તા જાળવી રાખવા માટે નેટ (NET), સ્લેટ (SLET) કે પીએચડી (PhD) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને ભરતીમાં પ્રથમ પસંદગી આપવા તેમજ ટીચર્સ ટ્રેનિંગ આસિસ્ટન્ટની ભરતી કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કુલપતિ ડો. કિશોર પોરીયા, રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ ઉપરાંત કાઉન્સિલના સભ્યો દિલીપ ચૌધરી, ડો. કોકિલાબેન પરમાર, ડો. કે.કે.પટેલ, ડો. કડિયા, ડો. ઠક્કર સહિત મોટી સંખ્યામાં શૈક્ષણિક સંચાલકો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →