મહેસાણામાં 2459 જગ્યાઓ માટે બે દિવસીય ભરતી પ્રક્રિયા:ઉત્તર ગુજરાતની સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો માટે સામૂહિક ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન સેલ્ફ-ફાઇનાન્સ કોલેજો માટે મહેસાણા સ્થિત આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે 4 અને 5 જૂન, 2026ના રોજ સામૂહિક ઓપન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયામાં ઉત્તર ગુજરાતની 119 શૈક્ષણિક સંસ્થાઓની 208 કોલેજો ભાગ લઈ રહી છે. આ બે દિવસીય આયોજન હેઠળ વિવિધ 22 અભ્યાસક્રમોની કુલ 2459 જગ્યાઓ ભરવામાં આવશે. આમાં આચાર્ય, પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, લાયબ્રેરિયન અને પી.ટી.આઈ. સહિતના શૈક્ષણિક સ્ટાફની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. સાર્વજનિક કેળવણી મંડળ, મહેસાણા સંચાલિત આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે આ ભરતી પ્રક્રિયાનું આયોજન કરાયું છે. મહેસાણા, પાટણ તેમજ વાવ-થરાદ વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓ આ ઓપન ઇન્ટરવ્યૂમાં સહભાગી બની રહી છે. ઉમેદવારોને એક જ સ્થળે વિવિધ સંસ્થાઓ સમક્ષ પોતાની લાયકાત અને અનુભવ રજૂ કરવાની તક મળશે. આનાથી તેમના સમય, શ્રમ અને ખર્ચની બચત થશે. ઉમેદવારોની સુવિધા માટે રજિસ્ટ્રેશન કાઉન્ટર, વિશાળ મંડપ, કૂલર-ફોગર વ્યવસ્થા, 108 એમ્બ્યુલન્સ સેવા, હેલ્પ ડેસ્ક, શુદ્ધ પીવાનું પાણી, કેન્ટીન અને મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાનું સંચાલન આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજ, સાર્વજનિક વિદ્યા સંકુલ, મહેસાણા દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં માનવ સંસાધનોની પસંદગી અને સંસ્થાઓ વચ્ચેના સંકલન માટે આ માળખું તૈયાર કરાયું છે.
Read Original Article →