ભાસ્કર વિશેષ:યુનિવર્સિટીમાં ‘નો વ્હીકલ ડે’ ઊજવી 1 દિવસમાં 3300 લીટર પેટ્રોલ, 1100 લીટર ડીઝલ અને 1600 કિલો ગેસની બચત કરી
દેશમાં ઇંધણની કટોકટી વચ્ચે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ અટકાવવા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ રાજ્યની અન્ય યુનિવર્સિટી અને સંસ્થાઓને એક નવી દિશા ચિંધી છે. યુનિવર્સિટી દ્વારા 1 જૂન સોમવારના રોજ નો વ્હીકલ ડે ની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં યુનિ. અને કેમ્પસમાં 2600 થી વધુ શૈક્ષણિક-બિનશૈક્ષણિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ પગપાળા, ઈ વ્હીકલ કે સાયકલ લઈને કેમ્પસમાં આવી એકસાથે આ ઉજવણીમાં જોડાઈને ઇંધણ બચતનો સંદેશ આપ્યો હતો. આ ગ્રીન અભિયાનની સૌથી મોટી અને સકારાત્મક અસર પર્યાવરણ તેમજ કુદરતી સંસાધનોની બચત પર જોવા મળી હતી. સામાન્ય રીતે રોજ હજારો વાહનોથી ધમધમતું કેમ્પસ આ દિવસે સંપૂર્ણ શાંત અને પ્રદૂષણમુક્ત જણાયું હતું. આ આખીય પહેલના કારણે માત્ર એક જ દિવસમાં અંદાજિત 3300 લીટર પેટ્રોલ, 1100 લીટર ડીઝલ અને 1600 કિલો ગેસની અધધ બચત થઈ હતી. જે કર્મચારીઓ યુનિવર્સિટી કેમ્પસમાં રહે છે તે સવારે વહેલા ઉઠીને ચાલીને ઓફિસે પહોંચ્યા હતા. જ્યારે દૂરના અંતરેથી આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પબ્લિક ટ્રાન્સપોર્ટ (બસ-રીક્ષા) અથવા ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરીને આવ્યા હતા. એક દિવસ નહીં દર સોમવારે નો વ્હીકલ ડે ઉજવાશે : કુલપતિ
યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયા પોતાના નિવાસસ્થાનેથી પગપાળા ઓફિસ આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણની જાળવણી એ માત્ર કાગળ પરની વાતો નથી, પરંતુ આપણા રોજિંદા જીવનની ક્રિયાઓથી શરૂ થાય છે. આજે અમારા 2600 થી વધુના પરિવારે જે ઉત્સાહ દાખવ્યો છે તે સાબિત કરે છે કે જો આપણે ધારીએ તો પ્રદૂષણ મુક્ત ભવિષ્ય ચોક્કસ નિર્માણ કરી શકીએ છીએ. એક દિવસમાં હજારો લીટર ઇંધણ બચાવીને અમે પ્રકૃતિનું ઋણ ચૂકવવાનો નાનો પ્રયાસ કર્યો છે. હવે આ વ્હીકલ ફ્રી અભિયાન માત્ર એક દિવસ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ યુનિવર્સિટીમાં દર અઠવાડિયાના સોમવારે ''નો વ્હીકલ ડે'' તરીકે નિયમિત ઉજવવામાં આવશે. સેલ્ફી પાડીને ગ્રુપોમાં મૂકી વાહનોનો ઉપયોગ ટાળવા અપીલ
કુલપતિ વહેલી સવારે કેમ્પસથી પોણા બે કિ.મી દૂર આવેલ કુલપતિ બંગલોઝ થી પગપાળા ચાલીને સેલ્ફી પાડીને ગ્રુપોમાં મૂકી બધાને વ્હીકલ નો ઉપયોગ ના કરવા અપીલ કરી હતી.
Read Original Article →