ગુજરાત સરકાર-ઇન્ડિયા પોસ્ટની પહેલ:હવે જીવન પ્રમાણપત્ર માટે ધક્કા નહીં : પોસ્ટમેન ઘરે જ બાયોમેટ્રિક ચકાશી પેન્શનરોની સેવા કરશે
પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર માટે બેંક, ટ્રેઝરી કે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે. ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના સંયુક્ત પ્રયાસોથી રાજ્યમાં નિઃશુલ્ક “ડિજિટલ જીવન પ્રમાણપત્ર” સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં પોસ્ટમેન જ પેન્શનરના ઘરે પહોંચી બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા જીવન પ્રમાણપત્ર તૈયાર કરશે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા પેન્શનરો માટે આ પહેલ રાહતરૂપ માનવામાં આવી રહી છે. 1 મે 2026થી 31 જુલાઈ 2026 દરમિયાન આ વિશેષ અભિયાન હાથ ધરાયું છે. આ સેવા હેઠળ પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો (GDS) સીધા પેન્શનરના નિવાસસ્થાને જઈ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે. સેવા પૂર્ણ થયા બાદ પેન્શનરના મોબાઈલ પર SMS દ્વારા પુષ્ટિ મોકલવામાં આવશે તેમજ ડિજિટલ જીવન પ્રમાણપત્ર સંબંધિત પેન્શન કચેરી સુધી ઓનલાઈન પહોંચાડવામાં આવશે. આ સેવા માટે આધાર નંબર, આધાર સાથે લિંક મોબાઈલ નંબર, PPO અથવા e-PPO નંબર તેમજ બેંક કે પોસ્ટ ઓફિસ ખાતાની વિગતો જરૂરી રહેશે. સૌથી મહત્વની વાત એ છે કે પોસ્ટ વિભાગ આ સેવાસંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડી રહ્યું છે. પાટણ ડિવિઝન હેઠળના પેન્શનરોને પોતાના વિસ્તારના પોસ્ટમેન, ગ્રામિણ ડાક સેવક અથવા નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા AEPS (આધાર સક્ષમ ચુકવણી પદ્ધતિ) મારફતે પેન્શનરો ઘરે બેઠા જ પોતાના ખાતામાંથી રકમ ઉપાડી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ છે. કોઈપણ માર્ગદર્શન માટે પાટણ IPPB બ્રાન્ચના હેલ્પલાઈન નંબર9218302154 પર સંપર્ક કરી શકાય છે.
Read Original Article →