ટાંકીમાંથી મૃતદેહ મળ્યો:રાધનપુર પાલિકાના કર્મીનું રહસ્યમય મોત, સમ્પમાંથી મૃતદેહ મળ્યો

Gujarat6/7/2026, 12:00:00 AM
ટાંકીમાંથી મૃતદેહ મળ્યો:રાધનપુર પાલિકાના કર્મીનું રહસ્યમય મોત, સમ્પમાંથી મૃતદેહ મળ્યો
રાધનપુર શહેરમાં પાલિકા સંચાલિત પીવાના પાણીના સમ્પમાં 32 વર્ષીય હંગામી કર્મચારીનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી છે. શનિવારે સવારે સમ્પની બહાર તેમના ચંપલ અને ટિફિન પડેલા જોવા મળતાં કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી. બાદમાં અઢી લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાં તેમનો મૃતદેહ તરતો મળી આવતાં પોલીસ,પાલિકા તંત્ર અને પરિવારજનો દોડી આવ્યા હતા. ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે અને પોલીસે પોસ્ટમોર્ટમ સાથે ટેકનિકલ તપાસ શરૂ કરી છે. રાધનપુર શહેરના શાંતિધામ સાતુન રોડ પર આવેલા પાલિકા સંચાલિત સમ્પ ખાતે શુક્રવારે રાત્રે ફરજ પર આવેલા કલ્પેશભાઈ ભોજાભાઈ મકવાણાનું શનિવારે સવારે રહસ્યમય સંજોગોમાં મોત થયેલું બહાર આવ્યું હતું.શનિવારે સવારે પાણી છોડવાની કામગીરી દરમિયાન કોઈ પ્રશ્ન ઉભો થતાં સવારે ફરજ પર આવનાર કર્મચારી સમ્પ પર પહોંચ્યા હતા. તે સમયે સ્થળ પર કલ્પેશભાઈના ચંપલ અને ટિફિન પડેલા જોવા મળ્યા હતા. આસપાસ તપાસ કર્યા બાદ પાણીની ટાંકીમાં નજર કરતાં કલ્પેશભાઈ અંદર પડેલા હાલતમાં જોવા મળ્યા હતા.બનાવની જાણ થતા પાલિકા તંત્રના કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસ અને પરિવારની હાજરીમાં મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે પીવાના પાણીના સમ્પમાંથી કર્મચારીનો મૃતદેહ મળતાં શહેરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખિસ્સામાંથી મોબાઇલ મળ્યો, તપાસ થશે:PI રાધનપુર પી.આઈ આર.બી. વાધીયાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી.યુવક અંદર પડી ગયો હોય તેવી શક્યતા છે. જોકે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. મૃતકના ખિસ્સામાંથી મોબાઇલ મળ્યો હોવાથી તેના આધારે ટેકનિકલ તપાસ પણ હાથ ધરવામાં આવશે.: ટાંકીમાંથી મૃતદેહ મળ્યો એટલે શંકા જાય છે‎ મૃતકના ભાઈ સુભાષભાઈએ જણાવ્યું હતું કે ટાંકીમાંથી મૃતદેહ મળતાં ઘટના શંકાસ્પદ લાગી રહી છે. આ મામલે ઝીણવટભરી તપાસ કરવા પોલીસને રજૂઆત કરાઈ છે. જોકે મૃતકને કોઈ સાથે મનદુઃખ કે માથાકૂટ ન હોવાનું પરિવારનું કહેવું છે.પરિવારમાં માતા-પિતા, બે ભાઈ અને બે બહેન છે. પિતા નિવૃત્ત શિક્ષક છે. સમ્પમાંથી પાણી ખાલી કરી દેવાયું પાલિકાના ઓ.એસ હિતેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ઘટનાને પગલે સમ્પનું પાણી તાત્કાલિક ખાલી કરાયું છે.ફરી પાણી ભરી ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. સંપૂર્ણ સફાઈ બાદ જ પાણી સપ્લાય શરૂ કરાશે,જે સોમવાર સુધી પૂર્ણ થવાની શક્યતા છે.આ સમ્પમાંથી રવિધામ વિસ્તારમાં જતો પાણી પુરવઠો હાલ બંધ રાખી ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.
Read Original Article →