ગુજરાત આર્કિયોલોજીકલ ડાયરેક્ટર 5 વિરાસતની મુલાકાતે:મુકેશ શર્માએ બગવાડા દરવાજા સહિત ઐતિહાસિક સ્મારકોની સાચવણીનું આકલન કર્યુ, લોકો સાથે સકારાત્મક ચર્ચા
ગુજરાત આર્કિયોલોજીકલ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુકેશ શર્માએ પાટણની મુલાકાત લીધી હતી. દરમિયાન વિભાગ હસ્તકના 5 વિરાસત સ્થળોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેમણે બગવાડા દરવાજા, ત્રણ દરવાજા, છીંડીયા દરવાજા, અઘારા દરવાજા અને ફાટીપાળ દરવાજાની સ્થિતિનું આકલન કર્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ઐતિહાસિક સ્મારકોની સાચવણી અને પાટણને પ્રવાસન ક્ષેત્રે આગળ ધપાવવાનો હતો, જેમાં સ્થાનિક નાગરિકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ હતી. વિકાસ સમિતિએ સ્મારકો મુદ્દે રજૂઆતો કરી
મુલાકાત દરમિયાન પાટણ વિકાસ સમિતિના સભ્યો દેવજી પરમાર, દિલીપ સુખડીયા અને હર્ષદ ખમારે ત્રણ દરવાજાના તાકીદે જીર્ણોદ્ધાર માટે રજૂઆત કરી હતી. જ્યારે સમાજસેવક યતીન ગાંધીએ પાટણના ભવ્ય વારસાની વિસ્તૃત માહિતી આપી હતી. સાંસ્કૃતિક મંડળના વરિષ્ઠ સભ્ય મહાસુખ મોદીએ પાટણના મુખ્ય પ્રવેશદ્વાર સમાન બગવાડા દરવાજાની જર્જરિત હાલત અંગે ચિંતા વ્યક્ત કરી તેના સૌંદર્યકરણ પર વિશેષ ભાર મૂક્યો હતો. 5 રક્ષિત દરવાજાઓની રૂબરૂ મુલાકાત
સાંસ્કૃતિક મંડળ તેમજ જ્ઞાનશક્તિ ફાઉન્ડેશનના માનદ મંત્રી પ્રોફેસર ડૉ. આશુતોષ પાઠકે અધિકારીને કિલ્લા તેમજ તમામ 5 રક્ષિત દરવાજાઓની રૂબરૂ મુલાકાત કરાવી હતી. તેમણે સ્મારકોની જાળવણી માટેના જરૂરી પગલાંઓ વિશે ચર્ચા કરી પાટણને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની માંગ કરી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન પાઠકે પાટણના ઇતિહાસ અને સ્મારકોને લગતી જિજ્ઞાસાઓના સચોટ જવાબો આપ્યા હતા. વિભાગનો હકારાત્મક પ્રતિસાદ
સ્થળ મુલાકાત દરમિયાન કિલ્લા અને દરવાજાના ભગ્ન અવશેષોની તસવીરો લેવામાં આવી હતી. બગવાડા દરવાજા અને ત્રણ દરવાજાની ભયજનક સ્થિતિને ધ્યાને લઈ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુકેશ શર્માએ આ બંને સ્મારકોની જાળવણી અને સંરક્ષણ માટે વિભાગ તરફથી કટિબદ્ધતા દર્શાવી નાગરિકોને હકારાત્મક આશ્વાસન આપ્યું હતું. પરંપરાગત શૈલીમાં બહુમાન
મુલાકાતના અંતે પ્રવિણ મીઠાઈ ઘર તરફથી પાટણના પ્રખ્યાત સંભારણા તરીકે ગોળની રેવડી અને દેવડા અર્પણ કરીને આસિસ્ટન્ટ ડાયરેક્ટરનું બહુમાન કરવામાં આવ્યું હતું.
Read Original Article →