મણીયારી ઉચાપત કેસમાં મંત્રીને સજા:16 વર્ષ જૂના કેસમાં કોર્ટે પ્રોબેશનનો લાભ આપ્યો
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચાણસ્મા તાલુકાના મણીયારી ગામની દૂધ મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ નારણદાસ પટેલને 16 વર્ષ જૂના ઉચાપત કેસમાં દોષિત ઠેરવી સજા ફટકારી છે. જોકે, કોર્ટે તેમને સુધારાની તક આપવા માટે પ્રોબેશનનો લાભ આપવાનો આદેશ કર્યો છે. આ કેસ વર્ષ 2009-2010 દરમિયાન થયેલી કુલ રૂ. 2,50,871.42 (રૂ. 2,45,670.42 કાયમી અને રૂ. 5,201 હંગામી) ની ઉચાપત સંબંધિત છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે આરોપી જીવણલાલ પટેલ (ઉંમર 45)ને ભારતીય દંડ સંહિતાની કલમ 408 હેઠળ છ માસની સાદી કેદ અને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ એક માસની સજા ભોગવવાનો આદેશ પણ કરાયો હતો. જોકે, કોર્ટે આરોપીને જેલમાં મોકલવાને બદલે ત્રણ મહિનાના સમયગાળા માટે રૂ. 7,500ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે આરોપીએ ઉચાપત કરેલી રકમ મંડળીને પરત કરી દીધી છે. ઉપરાંત, આરોપીની ઉંમર અને શારીરિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમને પ્રોબેશનનો લાભ આપવાથી કાયદાનો હેતુ જળવાશે. કેસની જૂનાઈ અને સજાની જોગવાઈઓ જોતાં, આરોપી પ્રોબેશનનો લાભ મેળવવા પાત્ર છે. પાટણ કોર્ટે આરોપી માટે કેટલીક શરતો પણ લાદી છે. જેમાં પ્રોબેશન સમયગાળા દરમિયાન સુલેહ-શાંતિ જાળવવી, કોઈપણ ગેરકાનૂની કૃત્ય ન કરવું, રહેઠાણનું સરનામું જાહેર કરવું અને કોર્ટની પરવાનગી વિના તેમાં ફેરફાર ન કરવો વગેરેનો સમાવેશ થાય છે. આ કેસમાં સરકારી વકીલ સી.એલ. દરજીએ દલીલો રજૂ કરી હતી. કેસની વિગતો અનુસાર, પાટણ જિલ્લા સહકારી રજિસ્ટ્રાર કચેરીના અધિકારી જયંતિભાઈ કોદરભાઈ પટેલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મણીયારી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના તત્કાલિન મંત્રી જીવણલાલ પટેલે 1 ઓક્ટોબર 2009 થી 31 માર્ચ 2010 દરમિયાન મંડળીના ગ્રાહકોના નાણાંની ઉચાપત કરીને વિશ્વાસઘાત કર્યો હતો. આ ફરિયાદ 2010માં ચાણસ્મા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 408 અને 477(એ) હેઠળ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ નોંધાયાના 16 વર્ષ બાદ અને કોર્ટમાં 14 વર્ષ, 2 માસ અને 15 દિવસની લાંબી સુનાવણી પછી આ કેસનો નિકાલ આવ્યો છે.
Read Original Article →