જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:પાટણમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્રમાં 1100 શ્રીફળનું કીડિયારું બનાવાયું

Gujarat4/6/2026, 12:00:00 AM
જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ:પાટણમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્રમાં 1100 શ્રીફળનું કીડિયારું બનાવાયું
સેવા એ જ પરમો ધર્મના સૂત્રને સાર્થક કરતા ક્રિષ્ના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ક્રિષ્ના ગ્રુપ દ્વારા ચૈત્ર માસ નિમિત્તે જીવદયાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ઉનાળાની શરૂઆત અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં મૂગા જીવોની જઠરાગ્નિ ઠારવા માટે ગ્રુપ દ્વારા કુલ 1100 જેટલા કીડિયારું પૂરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ શહેરની ગોપાલક હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને ક્રિષ્ના ગ્રુપના 150 થી વધુ યુવાનો દ્વારા આ જીવદયા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.​ શાસ્ત્રોક્ત માન્યતા મુજબ,ચૈત્ર મહિનોએ કીડીઓ માટે આખા વર્ષનો ખોરાક સંગ્રહ કરવાનો સમય હોય છે.આ બાબતને ધ્યાને રાખીને સંસ્થા દ્વારા ખાસ પ્રકારનું મિશ્રણ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 100 ગ્રામ બાજરીનો લોટ,100 ગ્રામ ભાખરીનો લોટ,200 ગ્રામ બૂરું ખાંડ,25 ગ્રામ સફેદ તલ અને 50 ગ્રામ ઘી નું મિશ્રણ કરી પૌષ્ટિક કીડિયારું બનાવવામાં આવ્યું છે. શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો, ગલીઓ તેમજ પાટણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ કીડીયારું પહોંચે તેવું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે.ખાસ કરીને ઘટાદાર વૃક્ષોની નીચે જ્યાં પોચી માટી હોય ત્યાં આ યુવાનો દ્વારા કીડિયારું પૂરવામાં આવી રહ્યું છે. ​ક્રિષ્ના ગ્રુપના પ્રમુખ કિરણ દેસાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષની સફળતા બાદ આ બીજા વર્ષે પણ મોટા પાયે આયોજન કરાયું છે. આ કાર્યમાં દાતાઓના સહયોગથી લાખો કીડીઓને આહાર પૂરો પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પોતાના ઘર આંગણે પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારું પૂરીને આ ઉનાળામાં જીવદયાનું પુણ્ય કમાય.
Read Original Article →