ખોડલધામ દશાબ્દી મહોત્સવનો આમંત્રણ રથ પાટણ પહોંચ્યો:શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તોએ માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરાઈ

Gujarat6/3/2026, 2:58:37 AM
ખોડલધામ દશાબ્દી મહોત્સવનો આમંત્રણ રથ પાટણ પહોંચ્યો:શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તોએ માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરાઈ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા આગામી 19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રચાર માટે નીકળેલા ત્રણ આમંત્રણ રથ પૈકીનો એક રથ પાટણ આવી પહોંચ્યો હતો. શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ દરમિયાન ભક્તો દ્વારા માતાજીનું સ્વાગત કરી સમૂહ આરતી કરવામાં આવી હતી. આ રથ પરિભ્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય ગામે-ગામ જઈને લોકોને આ ઐતિહાસિક મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવાનો છે. ખોડલધામ દશાબ્દી મહોત્સવના આમંત્રણ માટે વિશેષ રૂપે તૈયાર કરાયેલો રથ પાટણ શહેરમાં આવતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ રથ પાટણના મદારસા ચોક, ખેતરવસી ચોક, લોટેશ્વર, લીંમડી ચોક, ઝીણી પોળ ચોક, કનાથ વાડો, પનાગર વાડા ચોક અને બળિયા પાડા ચોક જેવા વિસ્તારોમાં ફર્યો હતો. દરેક સ્થળે શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી અને રાત્રિના સમયે સાંઈબાબા રોડ પર આવેલી સોસાયટીના ખોડિયાર મંદિર ખાતે રાસનું આયોજન પણ કરાયું હતું. માતાજીનો આ રથ સાઉન્ડ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જેના દ્વારા મહોત્સવનો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. કાગવડ ખાતે યોજાનારા ત્રણ દિવસીય દશાબ્દી મહોત્સવની રૂપરેખા મુજબ, 19 જાન્યુઆરી 2027ના રોજ 1008 કુંડી મહાયજ્ઞ સાથે કાર્યક્રમનો પ્રારંભ થશે. આ દિવસે ચારેય દિશાઓમાંથી નીકળેલી શોભાયાત્રાઓ ખોડલધામ મંદિરે પહોંચશે, જ્યાં તેમનું પુષ્પવર્ષા સાથે સામૈયું કરવામાં આવશે અને બપોર બાદ સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. મહોત્સવના બીજા દિવસે 20 જાન્યુઆરી 2027 ના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞ ચાલુ રહેશે અને બપોર બાદ મહારાસનું આયોજન થશે, જેમાં વિવિધ જિલ્લા અને તાલુકાઓમાંથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને જોડાશે. મહોત્સવના અંતિમ દિવસે 21 જાન્યુઆરી 2027 ના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ બાદ બીડું હોમવામાં આવશે. આ દિવસે માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે અને સામૂહિક મહાઆરતી તથા ધ્વજારોહણના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમના અંતે વિરાટ ધર્મસભાનું આયોજન કરાયું છે, જેમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સંબોધન કરી સમાજને સંદેશ આપશે અને મહોત્સવનું સમાપન જાહેર કરશે. હાલમાં આ રથ જે જે ગામોમાં ફરી રહ્યો છે ત્યાં લોકો દ્વારા રંગોળી અને તોરણો બાંધી સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેનાથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Read Original Article →