HNGU માં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ કોર્સ શરૂ:હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બે વર્ષનો PG અભ્યાસક્રમ

Gujarat5/13/2026, 4:38:37 AM
HNGU માં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ કોર્સ શરૂ:હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા બે વર્ષનો PG અભ્યાસક્રમ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક સત્રથી માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ (MPH) નો બે વર્ષનો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. આ કોર્સમાં કુલ 40 બેઠકો ઉપલબ્ધ રહેશે. યુનિવર્સિટી કેમ્પસમાં વર્ષ 2005 થી કાર્યરત હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં આ નવો માસ્ટર ડિગ્રી કોર્સ 2026-27 થી શરૂ થવા જઈ રહ્યો છે. હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો. કે. કે. પટેલે માહિતી આપતા જણાવ્યું કે, જાહેર આરોગ્ય પર સંશોધન થઈ શકે અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ તૈયાર થાય તે હેતુથી વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ શરૂ કરાઈ રહ્યો છે. MPH ના આ અનુસ્નાતક અભ્યાસક્રમમાં હોસ્પિટલ મેનેજમેન્ટની જેમ જ પ્રવેશ પરીક્ષા દ્વારા એડમિશન કાર્યવાહી કરવામાં આવશે. આ પીજી કોર્સમાં મેડિકલ અને પેરામેડિકલના ગ્રેજ્યુએટ્સને પ્રવેશમાં અગ્રતા મળશે, જ્યારે અન્ય ગ્રેજ્યુએટ્સને ત્યારબાદની પ્રાથમિકતાથી પ્રવેશ મળી શકશે. માસ્ટર ઓફ પબ્લિક હેલ્થના આ બે વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સને યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. એડમિશનની કાર્યવાહી એકેડેમિક કાઉન્સિલની બેઠક બાદ શરૂ કરાશે. ડો. કે.કે. પટેલે વધુમાં જણાવ્યું કે, આ નવો અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પબ્લિક હેલ્થ સંશોધન માટે ખૂબ જ ઉપયોગી બનશે અને તેમને હોસ્પિટલ તેમજ હેલ્થ સેક્ટરમાં કામગીરી કરવા સક્ષમ બનાવશે.
Read Original Article →