HNGUમાં B.Arch કોર્સને 2026-27 માટે મંજૂરી:કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા 40 બેઠકો સાથે પ્રવેશની મંજૂરી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આર્કિટેક્ચર વિભાગને કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર (COA), નવી દિલ્હી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પાંચ વર્ષીય પૂર્ણકાલીન બી.આર્ક. (Bachelor of Architecture) અભ્યાસક્રમ માટે 40 વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા સાથે મંજૂરીનું વિસ્તરણ આપવામાં આવ્યું છે. કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર દ્વારા અપાયેલી આ મંજૂરી યુનિવર્સિટીના શૈક્ષણિક માળખા, ગુણવત્તાસભર શિક્ષણ, લાયકાત ધરાવતા ફેકલ્ટી સ્ટાફ તેમજ આધુનિક સુવિધાઓ પ્રત્યેના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ગુજરાત રાજ્યમાં સરકારી અનુદાનિત આર્કિટેક્ચર સંસ્થાઓમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ એમ માત્ર બે જ મુખ્ય યુનિવર્સિટીઓ કાર્યરત છે. આ સિદ્ધિ માટે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડો. કે. સી. પોરીયાનું નેતૃત્વ, માર્ગદર્શન અને શૈક્ષણિક ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા કારણભૂત બની છે. આ ઉપરાંત, કુલસચિવ ડો. આર. એન. દેસાઇના સહકાર અને વહીવટી માર્ગદર્શનથી વિભાગને મંજૂરીની પ્રક્રિયામાં સફળતા મળી છે. આર્કિટેક્ચર વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મીરાબેન ચતવાણીના માર્ગદર્શન હેઠળ વિભાગ શૈક્ષણિક, સંશોધન અને વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. આ વિભાગ વિદ્યાર્થીઓને સર્જનાત્મક દિશા પ્રદાન કરી રહ્યો છે.
Read Original Article →