યુનિવર્સિટીમાં નવી UG ઓનર્સ, રિસર્ચ બેઠકોની ભલામણ:હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે 60 ઓનર્સ અને PhD ગાઈડ દીઠ 1 રિસર્ચ બેઠક શરૂ થશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગોમાં FY UGP હેઠળ ચોથું વર્ષ ઓનર્સ અને ઓનર્સ વિથ રિસર્ચ શરૂ કરવા માટે રચાયેલી સમિતિની બોર્ડ ઓફ ડીનની સભા મળી હતી. આ બેઠકમાં સમિતિ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 હેઠળ ચાલતા UG પ્રોગ્રામ્સમાં શૈક્ષણિક વર્ષ 2026-27થી UG ઓનર્સની 60 બેઠકો શરૂ કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સંશોધનને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં સંશોધન કૌશલ્ય વિકસાવવા માટે, જે વિભાગોમાં PhD રિસર્ચ ગાઈડ ઉપલબ્ધ છે ત્યાં પ્રતિ ગાઈડ 1 ઓનર્સ વિથ રિસર્ચ બેઠક શૈક્ષણિક વર્ષ 2026-27થી શરૂ કરવાની પણ ભલામણ કરાઈ હતી. બેઠકમાં PG ટીચરની માન્યતા અને PhD ગાઈડશીપની માન્યતાઓ માટેની ભલામણો અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આ મુદ્દાઓને આગામી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં કુલપતિ ડૉ. કે.સી. પોરિયા, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ડૉ. કમલભાઈ મોઢ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. પલબેન સહિત સમિતિના સભ્યો ડૉ. કે.કે. પટેલ, ડૉ. ડી.એસ. ચારણ, ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ, ડૉ. બી.ડી. પટેલ, ડૉ. મીરાબેન ચતવાણી, અજયભાઈ ગૌર, એન.એચ. ભટ્ટ અને વર્ષાબેન ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જોડાયા હતા. તેમણે સમિતિ સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. વધુમાં, કુલપતિ ડૉ. કે.સી. પોરિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંદેશને ટાંકીને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન બેઠકો યોજવા અને અલગ-અલગ વાહનોને બદલે એક વાહનમાં મુસાફરી કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે સભ્યોને પણ આ સૂચનોનું પાલન કરવા, ખાસ કરીને જે સભ્યો રૂબરૂ આવી શકે તેમ ન હોય તેમને ઓનલાઈન જોડાવા અને પેટ્રોલ-ડીઝલ તેમજ સમયની બચત કરવા માટે એક વાહનમાં આવવા અપીલ કરી હતી.
Read Original Article →