હારીજમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ:બાઈક પર આવેલા બે શખ્સો 19.600 ગ્રામનો દોરો ઝૂંટવી ફરાર

Gujarat5/13/2026, 4:51:45 AM
હારીજમાં મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ:બાઈક પર આવેલા બે શખ્સો 19.600 ગ્રામનો દોરો ઝૂંટવી ફરાર
હારીજ શહેરના મધુવન સોસાયટી વિસ્તારમાં રહેતા એક મહિલા બજારમાંથી શાકભાજી ખરીદી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રામજી મંદિર પાછળ તળાવની પાળ પાસે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી આશરે 19.600 ગ્રામ વજનનો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. આ મામલે ભોગ બનનાર મહિલાએ હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મધુવન સોસાયટીમાં રહેતા રેખાબેન ભરતકુમાર યોગી ગત તારીખ 05/05/2026 ના રોજ સાંજના સમયે હારીજ બજારમાં શાકભાજી ખરીદવા ગયા હતા. ખરીદી બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન રામજી મંદિર પાછળ તળાવની પાળ પાસે એક મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો આવ્યા હતા. બાઈકની પાછળ બેઠેલા આશરે 20 થી 30 વર્ષની વયના અને કાળા રંગનું શર્ટ પહેરેલા શખ્સે રેખાબેનના ગળામાં પહેરેલો સોનાનો દોરો ઝૂંટવી લીધો હતો. આ ઘટના બાદ બંને અજાણ્યા શખ્સો બાઈક પર તાલુકા પંચાયત તરફ ભાગી ગયા હતા. ભોગ બનનાર મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને મહિલાએ તેના પતિને ફોન કરીને બનાવની જાણ કરી હતી. લૂંટાયેલા સોનાના દોરાનું વજન 19.600 ગ્રામ છે, જે વર્ષ 2003માં 10,102 રૂપિયાની કિંમતે ખરીદવામાં આવ્યો હતો. આ ઘટનાથી ગભરાઈ ગયેલા મહિલાએ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ બાદમાં હારીજ પોલીસ મથકે પહોંચી બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ ની કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભીખાભાઇ દેસાઇને સોંપી છે.
Read Original Article →