રોગચાળાની દહેશત:અબલુવા ગામના તળાવમાં પાણી સુકાતાં માછલીઓના મોત

Gujarat5/26/2026, 12:00:00 AM
રોગચાળાની દહેશત:અબલુવા ગામના તળાવમાં પાણી સુકાતાં માછલીઓના મોત
સરસ્વતી તાલુકાના અબલુવા ગામે ધારદેવી માતાજીના મંદિર નજીક આવેલા ઐતિહાસિક તળાવમાં ઉનાળાની અસહ્ય ગરમીના કારણે પાણીનું સ્તર ભયજનક રીતે ઘટી ગયું છે. વરસાદી પાણી અને ધરોઈની પાઈપલાઈનથી ભરાયેલા આ તળાવમાં ગરમી વધવાને કારણે પાણી અત્યંત ગરમ થઈ જતાં તેમાં રહેતી હજારો માછલીઓ તરફડીને મોતને ભેટી છે. તળાવમાં ચારેય તરફ મૃત માછલીઓ તરતી થતાં સમગ્ર પંથકમાં માથું ફાટી જાય તેવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે, જેનાથી આજુબાજુના રહીશો અને સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે. સ્થાનિક અગ્રણી સોનજીજી ઠાકોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા તાકીદે આ મૃત માછલીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. બીજી તરફ, ગામના વડીલ આગેવાન વેરશીજી ઠાકોરે માગ કરી છે કે તંત્ર ઘોર નિદ્રામાંથી જાગે અને ધરોઈની પાઇપલાઇન મારફતે તાત્કાલિક તળાવમાં નવું પાણી છોડે, જેથી તળાવમાં હજુ પણ બચેલી જીવંત માછલીઓનો જીવ બચાવી શકાય. ગ્રામજનોએ જવાબદાર તંત્ર સામે આ ગંભીર પરિસ્થિતિ અંગે તાકીદે પગલાં લેવા ઉગ્ર રજૂઆત કરી છે.
Read Original Article →