મિશન કર્મયોગી:અરજદાર સાથે વાત , ધક્કાખાવા ન પડે અને આત્મીયતાનો અનુભવ થાય અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન

Gujarat5/16/2026, 12:00:45 AM
પાટણ સરકારી કામમાં વધુ સંવેદનશીલતા અને કાર્યક્ષમતા લાવવાના આશયથી પાટણ મામલતદાર કચેરી ખાતે મિશન કર્મયોગી અંતર્ગત ત્રણ દિવસીય ક્ષમતા વર્ધક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. હિરો માઈન્ડમાઈન દ્વારા આયોજિત આ તાલીમમાં વર્ગ-3 અને 4 ના 25 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપમાં સરકારી કર્મચારી કેવળ "પગારદાર નોકર નહીં, પરંતુ રાષ્ટ્રની સેવા કરતો કર્મયોગી છે તેવો ભાવ જગાડવામાં આવ્યો હતો. તાલીમ દરમિયાન પ્રોજેક્ટરના માધ્યમથી કર્મચારીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતાના "નિષ્કામ કર્મ"ના સિદ્ધાંત સાથે આધુનિક વહીવટની સમજ અપાઈ હતી. જોહરી વિન્ડો જેવી મનોવૈજ્ઞાનિક એક્સરસાઈઝ દ્વારા સ્વ-જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસના પાઠ ભણાવવામાં આવ્યા હતા. તણાવમુક્ત કાર્યપદ્ધતિ માટે ભાવનાત્મક બુદ્ધિમત્તા અને POSH અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.વર્કશોપના અંતે તમામ કર્મયોગીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તાલીમ બાદ હવે પાટણ મામલતદાર કચેરીમાં આવતા નાગરિકોને વહીવટમાં એક સકારાત્મક બદલાવ જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે. અરજદાર સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ? વહીવટમાં માનવીય અભિગમ લાવવા માટે કર્મચારીઓને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં સમજાવ્યું કે અરજદાર સાથે વાત કરતી વખતે માત્ર શબ્દો (7%) જ નહીં, પણ અવાજનો લય (38%) અને બોડી લેંગ્વેજ (55%) નિર્ણાયક ભૂમિકા ભજવે છે. કર્મચારીઓને શીખવવામાં આવ્યું કે કચેરીએ આવતા નાગરિકો સાથે વિનમ્રતાથી પેશ આવવું, તેમની રજૂઆત ધ્યાનથી સાંભળવી અને સહાનુભૂતિપૂર્વક પ્રતિસાદ આપી ઉકેલ લાવવો. અરજદારને "સરકારી ધક્કા" ખાવા ન પડે અને તેને આત્મીયતાનો અનુભવ થાય તે જ સાચી સેવા છે.
Read Original Article →