ચંદ્રુમાણા ગામમાં કચરાના નિકાલ માટે:ઘન કચરા વ્યવસ્થાપન અંગે ખાસ ગ્રામસભા યોજાઈ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ઘન કચરાના વ્યવસ્થાપન અંગે એક ખાસ ગ્રામસભા યોજાઈ હતી. સરપંચ કાજલબેન વ્યાસના અધ્યક્ષસ્થાને અને પાટણ તાલુકા પંચાયતના મનરેગા ક્લસ્ટર કો-ઓર્ડિનેટર અશોકભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આ સભા યોજાઈ હતી. આ સભામાં ગામને સ્વચ્છ બનાવવા માટે આગામી સપ્તાહ સુધીમાં ગામની દરેક શેરીઓમાંથી ઘન કચરો એકત્ર કરતું વાહન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું કે, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના આદેશથી બનાવેલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની નવી ગાઈડલાઈન અંતર્ગત આ પહેલ કરવામાં આવી છે. તલાટી ભરતભાઈ ઠાકોરે માહિતી આપી હતી કે, કચરાનું ટ્રેક્ટર આગામી સપ્તાહમાં ચાલુ થશે અને મહિનામાં ૧૦ દિવસ દરેક શેરીઓમાં કચરો લેવા જશે. લોકોને માઈક દ્વારા કચરો આપી જવા માટે સંદેશ આપવામાં આવશે. તલાટી ભરતભાઈ ઠાકોરે ઘરનો કચરો ઘરમાં રાખવાની સરકારની નીતિ સમજાવી હતી. તેમણે લીલો, સૂકો, કેમિકલ અને સેનેટરી વેસ્ટના યોગ્ય નિકાલ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ કાજલબેન વ્યાસે ગટર લાઈનમાં ગાદલા, કોથળા જેવી વસ્તુઓ ન નાખવા ખાસ ટકોર કરી હતી, કારણ કે તાજેતરમાં ગટર લાઈન ઉભરાતાં આવી વસ્તુઓ નીકળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જ્યાં સુધી ગ્રામજનો પોતાની ફરજ નહીં સમજે ત્યાં સુધી વ્યવસ્થાઓ અસરકારક બની શકશે નહીં. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ગામમાં વિવિધ મહોલ્લાઓમાં પાણી ન ચડવું, વિવિધ વિસ્તારોમાં આરસીસી રસ્તાની સુવિધા, વઢીયાળા તળાવ ચોમાસામાં ઓવરફ્લો થાય તો પાણી નિકાલની વ્યવસ્થા, આગામી ચોમાસાને લઈ ગામ તળાવમાં પાણી આવવાના આવરા સાફ કરવા અને ગૌરી માતા મંદિર પાસેના દેવી તળાવમાં ખોદકામ કરાવવા જેવી રજૂઆતો કરવામાં આવી હતી. દબાણો દૂર કરાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં પ્રમોદભાઈ વ્યાસ, ભાનુભાઈ વ્યાસ, ભગવતીપ્રસાદ વ્યાસ, ભરત એસ વ્યાસ, મોબુજી ઠાકોર, પૂર્વ ડેલિકેટ અમૃતભાઈ દેસાઈ, પંચાયત સભ્યો વજાજી ઠાકોર, ભરતભાઈ દેસાઈ, બળવંતસિંહ દરબાર, ગ્રામજનો ખેગારભાઈ ચાવડા, કાંતિભાઈ ચાવડા, કિશોરભાઈ ઠાકર, ધનાભાઈ ઠાકોર સહિત અન્ય લોકોએ ચર્ચામાં ભાગ લીધો હતો. ગ્રામ સભામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →