ચંદ્રુમાણામાં 93 મહિલાઓનું કેન્સર સ્ક્રીનિંગ:બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિઃશુલ્ક તપાસ અને રસીકરણ

Gujarat5/22/2026, 12:43:34 PM
ચંદ્રુમાણામાં 93 મહિલાઓનું કેન્સર સ્ક્રીનિંગ:બેતાલીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા નિઃશુલ્ક તપાસ અને રસીકરણ
બેતાલીસ લેઉવા પાટીદાર યુવા મંડળ અને મહિલા સંગઠન દ્વારા કેન્સર મુક્ત સમાજ અભિયાન અંતર્ગત ચંદ્રુમાણા ખાતે કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 93 બહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે અગાઉ સમાજના 53 ગામોમાં સ્ક્રીનિંગ કરાયું છે. ચંદ્રુમાણા પ્રાથમિક શાળા ખાતે શુક્રવારે યોજાયેલા આ કેમ્પમાં આશીર્વાદ ફાઉન્ડેશન, અમદાવાદના નિષ્ણાત તબીબો દ્વારા પાટીદાર મહિલાઓ અને દીકરીઓની તપાસણી કરવામાં આવી હતી. કેમ્પ માટે અગાઉથી 93 બહેનોનું રજીસ્ટ્રેશન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભદ્રેશ પટેલ, સંદીપ પટેલ, મયુર પટેલ, કૃણાલ પટેલ, કનુભાઈ પટેલ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બેતાલીસ લેઉવા પાટીદાર મહિલા સંગઠનના ગામ કન્વીનરો અવનીબેન પટેલ, પ્રેમીલાબેન પટેલ અને સોનલબેન પટેલે કર્યું હતું. આ અભિયાન અંતર્ગત આગામી રવિવારે, 24મીએ, સીહી ખાતે બીજા મેગા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા કેમ્પમાં મહિલાઓને સર્વાઇકલ અને સ્તન કેન્સરથી સુરક્ષિત કરવા અત્યાધુનિક પદ્ધતિથી સ્ક્રીનિંગ કરાશે. સીહી ખાતેના કેમ્પમાં 500 જેટલી બહેનોને ગર્ભાશયના મુખના કેન્સર માટે વિશેષ તપાસ કરાશે. આ ઉપરાંત, 9 થી 14 વર્ષની 130 જેટલી દીકરીઓને ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી વેક્સિન આપવામાં આવશે. દરેક મહિલાઓ માટે બીપી, ડાયાબિટીસ અને હાડકાની મજબૂતાઈ માપવા માટેનો 'બોન ડેન્સિટી ટેસ્ટ' પણ તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવશે. સીહી ખાતે યોજાનારા આ મેગા કાર્યક્રમમાં ખોડલધામ સંગઠન પ્રમુખ અનારબેન પટેલ, ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ કે. પટેલ, પાટણ ધારાસભ્ય કિરીટભાઈ સી. પટેલ, એબીપી ન્યૂઝના ચીફ એડિટર રોનકભાઈ પટેલ અને સમારંભના અધ્યક્ષ તથા મુખ્ય દાતા ગૌરવભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ વર્ષના અભિયાનની શરૂઆત 6 મે, 2026 ના રોજ કિમ્બુવા ખાતેથી થઈ હતી, જેમાં 53 ગામની 900 થી વધુ બહેનોના સ્ક્રીનિંગની કામગીરી આગામી રવિવારે પૂર્ણ થશે. વર્ષ 2024 માં પ્રથમ કેમ્પ દરમિયાન 531 દીકરીઓને રસી આપી સુરક્ષિત કરવામાં આવી હતી અને 2,430 મહિલાઓના ગર્ભાશય કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ કરાયા હતા. આ નિદાન પ્રક્રિયા દ્વારા 44 બહેનોમાં કેન્સરની અસર પ્રારંભિક સ્ટેજમાં પકડાતાં તેમને સમયસર સારવાર મળતાં નવજીવન મેળવી શક્યા છે, જ્યારે અન્ય 582 બહેનોને ઇન્ફેક્શનની સારવાર આપી તંદુરસ્ત કરવામાં આવી છે.
Read Original Article →