સટ્ટોડિયા શિક્ષક પતિ વિરૂદ્ધ દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ:ક્રિકેટનો સટ્ટો રમતાં એક કરોડનું દેવું, કોર્ટની નોટિસો અંગે પૂછતાં મારઝૂડ, પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી
ચાણસ્મામાં પતિ વિરૂદ્ધ શારીરિક-માનસિક ત્રાસ, મારઝૂડ તેમજ દહેજની માંગણી કરવા અંગેની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. ક્રિકેટના સટ્ટામાં કરોડો રૂપિયાનું દેવું કરી ચૂકેલા શિક્ષક પતિએ પત્નીને પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરી, પુત્ર સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. ચાણસ્મા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સટ્ટા મુદ્દે કોર્ટની નોટિસો આવતાં પત્નીએ પુછતાં માર મારીને પુત્ર સાથે કાઢી મૂકી હતી. સટ્ટામાં એક કરોડનું દેવુ કરી નાખ્યું
મળતી માહિતી મુજબ, પીડિતાના લગ્ન વર્ષ 2015માં ચાણસ્મા ખાતે થયા હતા. લગ્ન બાદ પતિ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં શિક્ષક તરીકે નોકરી કરતો હોવાથી તેઓ ત્યાં સાથે રહેતા હતા અને તેમને એક પુત્ર પણ છે. શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ, લગ્નના બે વર્ષ પછી પતિ અવારનવાર પત્ની સાથે મારઝૂડ કરતો હતો. સાસરિયાં પણ દીકરાનો પક્ષ લેતા
આ અંગે સાસરિયાઓને જાણ કરવા છતાં તેઓએ પોતાના દીકરાને સુધારવાને બદલે પુત્રવધૂને જ દોષિત ઠેરવી હતી. તે દરમિયાન પતિ ક્રિકેટનો સટ્ટો રમવા લાગતા તેને આશરે 1 કરોડ રૂપિયાનું મોટું દેવું થઈ ગયું હોવાનો આક્ષેપ પત્નીએ કર્યો છે. અગાઉ પણ પરિણીતા પિયર હતી
અગાઉ સામાજિક આગેવાનોની બેઠક બાદ પતિએ સુધરી જવાની ખાતરી આપતા, ઘર સંસાર બગડે નહીં તે હેતુથી પરિણીતા ફરી તેની સાથે રહેવા ગઈ હતી. પતિની બદલી સાંતલપુર ખાતે થતાં તેઓ ત્યાં રહેવા ગયા હતા, પરંતુ ત્યાં પણ ત્રાસ યથાવત રહ્યો હતો. સટ્ટાના દેવાની કોર્ટ નોટિસો આવી
સટ્ટાના દેવાના કારણે કોર્ટની નોટિસો આવતા જ્યારે પત્નીએ આ અંગે પૂછપરછ કરી, ત્યારે પતિએ ઉશ્કેરાઈને જણાવ્યું કે, તારા બાપે દહેજમાં કંઈ આપ્યું નથી, તું તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ, મારે દેવું ભરવા પૈસાની જરૂર છે. આખરે ગત તારીખ 02-05-2026ના રોજ પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી, દહેજની રકમ લઈ આવવાનું કહી પુત્ર સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. સાળાની દુકાને પહોંચી ધમકી આપી
પીડિત મહિલા પોતાના પિયર આવી ગયા બાદ પણ પતિનો ત્રાસ અટક્યો ન હતો. ગત 07-05-2026ના રોજ રાત્રિના સમયે આરોપી પતિ ચાણસ્મા ખાતે તેના સાળાની બેકરીની દુકાને પહોંચ્યો હતો. ત્યાં જઈને લગ્નનું આલ્બમ ફેંકી દઈ અત્યંત બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. સાળાએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઈ જઈને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફોન પર પણ અવારનવાર ગાળો ભાંડી હતી, બાળક મેળવવા માટે ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. કંટાળેલી પરિણીતાએ ફરિયાદ નોંધાવી
સતત મળતા ત્રાસ અને ધમકીઓથી તંગ આવીને આખરે પરિણીતાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. પોલીસે આરોપી પતિ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →