'બે દિવસ ફેરવવા માટે આપો' કહી ગઠિયાએ બોલેરો વેચી મારી:ચાણસ્માના દસ્તાવેજ લખનાર સાથે વિજાપુર અને ઇડરના બે શખસે ₹7 લાખની છેતરપિંડી આચરી, સાણંદમાં ગાડી વેચાઈ

Gujarat4/8/2026, 3:18:51 AM
'બે દિવસ ફેરવવા માટે આપો' કહી ગઠિયાએ બોલેરો વેચી મારી:ચાણસ્માના દસ્તાવેજ લખનાર સાથે વિજાપુર અને ઇડરના બે શખસે ₹7 લાખની છેતરપિંડી આચરી, સાણંદમાં ગાડી વેચાઈ
ચાણસ્માના ઉગમણા દરવાજા વિસ્તારમાં રહેતા અને દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતા યુવક સાથે બોલેરો ગાડી ખરીદવાના બહાને 7.05 લાખની છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વિશ્વાસ કેળવી માત્ર 1 લાખ રૂપિયા આપી, બાકીના નાણાં ચૂકવ્યા વગર ગાડી અન્યત્ર વેચી મારી હતી. આ મામલે ચાણસ્મા પોલીસે વિજાપુરના વસાઈ ડાભલા અને ઇડરના કમાલપુરના બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલો શું છે ? કુલદીપ ડોડીયાએ વર્ષ 2023માં 12.65 લાખની કિંમતે મહિન્દ્રા બોલેરો નિયો ટેન ખરીદી હતી. આ ગાડી પર ચાણસ્મા કો-ઓપરેટિવ બેંકની લોન ચાલુ હતી. કુલદીપે ગાડી વેચવા માટે તેમના મિત્ર ચિરાગસિંહ (રહે. જીતોડા) સાથે વાત કરી હતી. દરમિયાન, 23 જાન્યુઆરી 2026ના રોજ અનીલગીરી ગોસ્વામી (રહે. વસાઈ ડાભલા, તા. વિજાપુર) અને ભૌતિકગીરી ગોસ્વામી (રહે. કમાલપુર, તા. ઇડર) કુલદીપકુમારના ઘરે આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે ગાડીનો સોદો 7.05 લાખમાં નક્કી થયો હતો. વિશ્વાસ કેળવી ગાડી પડાવી લીધી આરોપીઓએ ગાડીની બાકીની લોન ભરપાઈ કરી દેવાની ખાતરી આપી હતી અને 'બે દિવસ ફેરવવા માટે આપો' તેમ કહી કુલદીપનો વિશ્વાસ જીત્યો હતો. આરોપીઓએ 1 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને આર.સી. બુક સાથે ગાડી લઈ ગયા હતા. જોકે, બે દિવસ બાદ લોન ભરવા કે બાકીના નાણાં આપવા બાબતે આરોપીઓએ વાયદા શરૂ કર્યા હતા. ગાડી ત્રીજી વ્યક્તિને વેચી મારી કુલદીપે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ આ ગાડી સાણંદના શાંતિપુરા વિસ્તારમાં આવેલી તન્વી મોટર્સમાં રાહુલદાન ગઢવીને 5.80 લાખમાં વેચી દીધી હતી અને તેમની પાસેથી 4 લાખ રૂપિયા મેળવી લીધા હતા. રાહુલદાન ગઢવીએ પણ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા, અંતે કુલદીપે પોલીસનો આશરો લીધો હતો. ચાણસ્મા પોલીસે આ મામલે અનીલગીરી ગોસ્વામી અને ભૌતિકગીરી ગોસ્વામી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →