કેનેડા કોન્ફરન્સમાં કુલગુરુનું કિડની સ્ટોન સંશોધન પત્ર સ્વીકૃત:યુનિવર્સિટી કાર્યભારને કારણે પ્રોફેસર પોરીયા આ કોન્ફરન્સમાં નહીં જાય
કેનેડાના કાલગરી ખાતે આગામી ઓગસ્ટ 2026માં યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં કુલગુરુ પ્રોફે. કિશોર પોરીયાનું કિડની સ્ટોન પરનું સંશોધન પત્ર મૌખિક રજૂઆત માટે સ્વીકારવામાં આવ્યું છે. જોકે, યુનિવર્સિટીના કાર્યભારને કારણે હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. આ કોન્ફરન્સ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ક્રિસ્ટોલોગ્રાફી (IUCr) ની ૨૭મી કોંગ્રેસ અને જનરલ એસેમ્બલી છે, જે 11 થી 18 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાશે. પ્રોફે. પોરીયાના સંશોધન પત્રનું શીર્ષક "અનવેઈલીંગ ધ મિકેનીઝમ: એ થર્મોડાયનેમિક અને એ ડાયનેટીક એપ્રોચ ફોર નેચરલ ગ્રોવન એન્ડ સર્જીકલ રીમુવડ કીડની સ્ટોન" છે. તેની રજૂઆત માટે 17 ઓગસ્ટ 2026ના રોજ ભારતીય સમય મુજબ સવારે 03:40 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. પ્રોફે. પોરીયા અને તેમના સંશોધન વિદ્યાર્થીઓએ કિડની સ્ટોન થવાના કારણો અંગેના અનેક સંશોધન પત્રો અગાઉ પણ આંતરરાષ્ટ્રીય જર્નલોમાં પ્રકાશિત કર્યા છે. 2014માં તેમણે કેનેડાના મોન્ટ્રીયલ ખાતે સંશોધન રજૂ કર્યું હતું અને સ્વીડનમાં પણ વ્યાખ્યાન આપ્યું હતું. ઇન્ટરનેશનલ એસોસીયેશન ઓફ એડવાન્સ મટીરીયલ્સ (IAAM) દ્વારા તેમને શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. આ વર્ષની કેનેડા કોન્ફરન્સમાં ભાગ લેવા માટે યુનિવર્સિટી દ્વારા જરૂરી નાણાકીય સહાયની મંજૂરી આપવામાં આવી હતી. તેમ છતાં, યુનિવર્સિટીના વર્તમાન કાર્યભાર અને સંભવિત ખર્ચને ધ્યાનમાં રાખીને પ્રોફે. પોરીયાએ આ મુલાકાત ટાળવાનો નિર્ણય કર્યો છે.
Read Original Article →