11 જૂને ચૂંટણી પહેલાં ભાજપની સેન્સ પ્રક્રિયામાં ગરમાવો:ન જમીન,ન વેપાર: કાગળ પર ચાલતી સરસ્વતી એપીએમસીના ચેરમેન બનવા માટે 10 દાવેદારો
પાટણ જિલ્લામાં એપીએમસીની આગામી અઢી વર્ષની ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. પરંતુ સૌથી રસપ્રદ અને ચર્ચાસ્પદ સ્થિતિ સરસ્વતી એપીએમસીમાં જોવા મળી રહી છે. અસ્તિત્વ માત્ર કાગળ પર ધરાવતી, જમીન-બિલ્ડિંગ કે ખરીદ-વેચાણની કોઈ પ્રવૃત્તિ વગરની સરસ્વતી એપીએમસીમાં ચેરમેન પદ માટે તમામ 10 જેટલા ડિરેક્ટરો દાવેદાર બનતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ‘જે એપીએમસીનું મેદાનમાં અસ્તિત્વ જ નથી, ત્યાં ચેરમેન બનવા માટે આટલો થનગનાટ કેમ?’ તેવો સવાલ હવે ચર્ચાના કેન્દ્રમાં છે. ચાર એપીએમસી પૈકી ચાણસ્મા એપીએમસીમાં ચેરમેન તરીકે કૌશિકભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કુંજનકુમાર પટેલ બિનહરીફ ચૂંટાતા ત્યાંની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે હવે પાટણ, સિદ્ધપુર અને સરસ્વતી એપીએમસીની ચૂંટણી પર સૌની નજર મંડાઈ છે. સરસ્વતી એપીએમસીમાં 11 જૂને, સિદ્ધપુરમાં 12 જૂને અને પાટણ એપીએમસીમાં 17 જૂને ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાનાર છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા ઉમેદવારી નક્કી કરવા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. જેમાં સરસ્વતી એપીએમસીના ચેરમેન પદ માટે ખેડૂત પેનલના તમામ 10 જેટલા ડિરેક્ટરોએ ઇચ્છા વ્યક્ત કરી છે. તેમાં ચારથી પાંચ ડિરેક્ટરો પ્રબળ દાવેદાર તરીકે ગણાઈ રહ્યા હોવાથી પસંદગી પ્રક્રિયા મુશ્કેલ બની છે. પરિણામે અંતે પક્ષ કોના નામ પર મહોર મારે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. સરસ્વતી એપીએમસીની હકીકત વધુ ચોંકાવનારી છે. વર્ષ 2007માં પાટણ એપીએમસીમાંથી વિભાજન થયા બાદ કોર્ટ કેસને કારણે લાંબા સમય સુધી પ્રક્રિયા અટવાઈ હતી. ત્યારબાદ 2018માં પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. પરંતુ એપીએમસી પાસે ન તો પોતાની જમીન હતી, ન બિલ્ડિંગ અને ન બજાર સંબંધિત કોઈ ખરીદ-વેચાણની ગતિવિધિ. ફંડના અભાવ હતો. વર્ષ 2023માં સરકાર સમક્ષ ફંડ માટે દરખાસ્ત કરાયા બાદ નિયામકે પાટણ એપીએમસીમાંથી અંદાજે રૂ.12.84 કરોડ ફાળવવાનો હુકમ કર્યો હતો. તે મુજબ પ્રથમ તબક્કામાં રકમ 6 કરોડ ફાળવાઈ હતી અને સંપૂર્ણ રકમ પૂરી ન થાય ત્યાં સુધી દર વર્ષે રૂ.1 કરોડ આપવાનો ઠરાવ કરાયો હતો. હાલ સરસ્વતી એપીએમસી પાસે અંદાજે રૂ.8 કરોડની એફ.ડી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરસ્વતી એપીએમસી માટે ભૂતિયા વાસણા નજીક 22 વીઘા જમીનની માંગણી કરાઈ છે, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે એપીએમસીનું વહીવટ કાગળ પર જ ચાલે છે. તેમ છતાં ચેરમેન પદ માટે તમામ ડિરેક્ટરો સક્રિય બનતા રાજકીય સમીકરણો અને હોદ્દાની અસર અંગે અનેક સવાલો ઊભા થયા છે. રાજકીય પ્રભાવ અને ભવિષ્યની ગોઠવણો માટે ચેરમેન પદ મેળવવા દાવેદારો વધ્યા
સરસ્વતી એપીએમસી પાસે પોતાનું માર્કેટ યાર્ડ, બિલ્ડિંગ કે ખરીદ- વેચાણની કામગીરી નથી, છતાં ચેરમેન પદ માટે તમામ 10 ડિરેક્ટરોની દાવેદારી એ દર્શાવે છે કે એપીએમસીની સત્તા હવે માત્ર કૃષિ વ્યવહાર પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ સ્થાનિક રાજકીય પ્રભાવ અને ભવિષ્યની ગોઠવણો માટે પણ મહત્વની બની ગઈ છે. કોર્ટ કેસ અને જમીનના અભાવે 17 વર્ષથી સરસ્વતી APMC કાગળ પર ચાલી રહી છે
અસ્તિત્વમાં આવ્યાને 17 વર્ષ જેટલો લાંબો સમય થયો હોવા છતાં માર્કેટયાર્ડ હજુ સુધી શરૂ થઈ શક્યું નથી. શરૂઆતમાં કોર્ટ કેસ અને ફંડના અભાવે આ પ્રોજેક્ટ અટવાયો હતો, જ્યારે 2023થી જમીન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ ગૌચર જમીનની માંગણી કરાતા મંજૂરી મળી ન હતી. હવે ભૂતિયા વાસણા ગામની 22 વીઘા જમીન ‘ગૌચર ધારા’ હેઠળ મેળવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. નિયમ મુજબ એપીએમસી જેટલી ગૌચર જમીન મેળવશે, તેટલી જ જમીન સામે તે જ ગામમાં ખરીદીને સરકારને ગૌચર તરીકે પરત આપશે.
Read Original Article →