ભાજપે પ્રમુખ માટે પાટીદાર યુવા અને સંગઠનનો ચહેરો પસંદ કર્યો:ભાજપનું સત્તા સમીકરણ મજબૂત: ભાવિક પટેલ-રૈયાબેન આયરનું સત્તાગ્રહણ નિશ્ચિત
પાટણ જિલ્લા પંચાયતમાં બહુમતીના આંકડા સાથે ભાજપે સત્તા પર મજબૂત પકડ બનાવી છે. કુલ 32 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપ પાસે હોવાથી સોમવારે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. જોકે કોંગ્રેસે પણ ચૂંટણી જંગ રસપ્રદ બનાવવા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા જિલ્લા પંચાયતની રાજકીય ગરમાવો વધ્યો છે. પાટણ જિલ્લા પંચાયત ખાતે સોમવારે બપોરે 12:00 પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી ભાજપ પાસે 19 સભ્યોનું સ્પષ્ટ બહુમતીબળ છે,જ્યારે કોંગ્રેસ પાસે 13 સભ્યો છે. આ સંખ્યાબળને જોતા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ પર ભાજપનો કબજો યથાવત રહે તેવી શક્યતા વધુ છે. રવિવારે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ધીણોજ બેઠકના ભાવિકકુમાર હર્ષદભાઈ પટેલે બપોરે 12:39 ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે સાંતલપુર બેઠકના રૈયાબેન વજાભાઈ આયરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.ભાજપ સામે કોંગ્રેસે પણ રાજકીય મુકાબલો રસપ્રદ બનાવવાનો પ્રયાસ કર્યો છે.કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે બાલીસણા બેઠકના ભરતભાઈ રેવાભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે કાકોશી બેઠકના અકબરઅલી ઈસ્માઈલભાઈ દાઉવાએ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય જાહેર થતાં સત્તાવાર હરીફાઈ નક્કી થઈ છે. પાટણ જિલ્લા પંચાયતમાં આ વખતે ઘણા સમયે બાદ પ્રમુખ પદ માટે બિન અનામત સામાન્ય બેઠક આવી છે. ત્યારે ભાજપે પ્રમુખ પદ માટે ભાવિકભાઈ પટેલની પસંદગી કરી પાટીદાર,યુવા અને સંગઠન નો ચહેરો પસંદ કર્યો છે. ભાવિક પટેલ 2007 થી ભાજપ સાથે જોડાયેલા છે. તે અગાઉ તેઓ એ.બી.વી.પી સાથે જોડાયેલા હતા. તેઓ તાલુકા યુવા મોરચા પ્રમુખ, જિલ્લા યુવા મોરચા ઉપ-પ્રમુખ, જિલ્લા યુવા મોરચા મહામંત્રી અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમજ ગત ટર્મમાં પણ જિલ્લા પંચાયતની ધીણોજ બેઠક પરથી જ તેમના પત્ની દીપમાલા બેન પટેલ ચૂંટાયા હતા અને તેમણે કારોબારી અધ્યક્ષ તરીકે બિન વિવાદી કાર્યભાર સંભાળ્યો હતો. ભાવિક પટેલ ની યુવા ચહેરા તરીકે પણ પસંદગી થઈ છે.તેઓ ખાસ કરીને બિન વિવાદિત ચહેરો છે.સાથે રાજકીય રીતે પણ ભાજપમાં મજબૂત પકડ ધરાવે છે.
Read Original Article →