બાલીસણા પોલીસે સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીઓને ઝડપી, રૂ. 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

Gujarat6/4/2026, 11:59:30 AM
બાલીસણા પોલીસે સોલાર પેનલ ચોરીનો ભેદ ઉકેલ્યો:ત્રણ આરોપીઓને ઝડપી, રૂ. 1.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પાટણ જિલ્લાના બાલીસણા પોલીસે વિસનગર તાલુકાના કડા ગામની સીમમાંથી થયેલી સોલાર પેનલ અને જનરેટરની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹1,88,500નો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ચોરી આદિત્ય વારી ગોકુલ સોલારમાંથી થઈ હતી. બાલીસણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એન.પટેલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, એક બોલેરો પિકઅપ ડાલામાં ત્રણ ઇસમો ચોરીનો મુદ્દામાલ ભરી ઊંઝાથી પાટણ તરફ જઈ રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે બાલીસણા બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ પિકઅપ ડાલુ આવતા તેને રોકવામાં આવ્યું અને તેની તલાશી લેવામાં આવી. તલાશી દરમિયાન વાહનમાંથી સોલાર પેનલ, પ્લેટો અને જનરેટર મળી આવ્યા હતા. પોલીસે વાહનચાલક અને અન્ય બે વ્યક્તિઓની પૂછપરછ કરી, પરંતુ તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા કે માલ અંગેના કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે બી.એન.એસ.એસ. કલમ 35(1)ઈ મુજબ કાર્યવાહી કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આ મુદ્દામાલ તેમણે 1 જૂન, 2026ના રોજ વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં આવેલા આદિત્ય વારી ગોકુલ સોલારમાંથી ચોર્યો હતો. પકડાયેલા આરોપીઓમાં દિનેશજી સોવનજી ઠાકોર, અરવિંદજી હીરાજી ઠાકોર અને સેંધાજી અભુજીનો સમાવેશ થાય છે, જેઓ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રહેવાસી છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 નંગ સોલાર પ્લેટ, આશરે 20 ફૂટની 14 નંગ ગેલ્વેનાઈઝની એંગલો, એક ગેસોલીન જનરેટર અને ચોરીમાં વપરાયેલું પિકઅપ ડાલુ મળી કુલ રૂ. 1,88,500ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Read Original Article →