પાટણમાં કોંગ્રેસનો આભાર દર્શન સમારોહ યોજાયો:AICC સેક્રેટરીએ 2027 વિધાનસભા ચૂંટણી માટે સંગઠન મજબૂત કરવા હાકલ કરી
પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિલાજ પાર્ટી પ્લોટ ખાતે લોકસભા ચૂંટણી બાદ મતદારોનો આભાર માનવા અને નવનિયુક્ત ચૂંટાયેલા સદસ્યોના સન્માન માટે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે AICC સેક્રેટરી અને ઉત્તર ઝોન પ્રભારી સુભાસીની યાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનને મજબૂત બનાવવાનો અને આગામી 2027ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોમાં ઉત્સાહ જગાવવાનો હતો. આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. પક્ષના મોવડી મંડળ દ્વારા જિલ્લામાં વિવિધ સ્તરે ચૂંટાયેલા સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ બેઠકો પર ચૂંટણી લડેલા વિજેતા અને પરાજિત ઉમેદવારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો પણ એકત્રિત થયા હતા. પક્ષના આગેવાનોએ કાર્યકરોને જનતાના પ્રશ્નોને મજબૂતીથી ઉઠાવવા અને કોંગ્રેસની વિચારધારાને છેવાડાના ગામો સુધી પહોંચાડવા હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા હોદ્દેદારો દ્વારા કરાયું હતું. ઉત્તર ઝોન પ્રભારી સુભાસીની યાદવે કાર્યકરો અને ઉમેદવારોને સંબોધતા જણાવ્યું હતું કે આ માત્ર સન્માન સમારોહ નથી, પરંતુ પક્ષના આંતરિક મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચા કરવાનું મંચ પણ છે. તેમણે ઉમેદવારોને ચૂંટણી દરમિયાન પક્ષમાં સાથ ન મળ્યો હોય કે અન્ય કોઈ સ્થાનિક કારણોસર હાર થઈ હોય તો તે અંગે સીધી રજૂઆત કરવા જણાવ્યું હતું. યાદવે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં થયેલી સમીક્ષા બાદ દિલ્હી ખાતે મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ જેવા રાષ્ટ્રીય નેતાઓને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને દરેક દિવસ પક્ષ માટે મહત્વનો છે. તેમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લડેલા તમામ યુવા અને અનુભવી ઉમેદવારોને નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવા અપીલ કરી હતી. પરસ્પરના મતભેદો ભૂલીને કોંગ્રેસની સરકાર બનાવવા માટે એકજુથ થઈ કામ કરવા પર ભાર મૂક્યો હતો. પક્ષ પાસે સત્તા અને શક્તિ હશે તો કાર્યકરોને વધુ મજબૂતીથી મદદ કરી શકાશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી.
Read Original Article →